કોંગ્રેસે વાયદા કરીને ન કરેલા વિકાસના કામો નરેન્દ્ર મોદીની સરકારે પૂર્ણ કર્યા છેઃ જે પી. નડ્ડા
ગોધરાઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભાજપની સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં જ નવ વર્ષનો હિસાબ-કીતાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સભાઓ યોજાઈ રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગોધરાના લુણાવાડા રોડ પર આવેલા છબનપુર ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે નવ વર્ષ દરમિયાન મોદી સરકારે કરેલા વિકાસની માહિતી આપીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપના ‘સંપર્કથી સમર્થન અભિયાન’ની છેલ્લી જાહેર સભા ગોધરા ખાતે યોજવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગોધરાના છબનપુરના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ભાજપના કાર્યકર્તા સાથે સંવાદ કર્યો હતો. નડ્ડાએ સરકારની વિવિધ સિદ્ધિઓ લોકો સમક્ષ રજૂ કરીને લોકસભાની ચૂંટણીઓ માટે કામે લાગી જવા હાંકલ કરી હતી. ત્યારબાદ ગોધરા નજીક આવેલા પંચમહાલ ડેરીની બાજુના મેદાન ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા જનસંપર્ક અભિયાન અંતર્ગત આ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના વિવિધ ભાજપના હોદ્દેદારો, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્યો, વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ દેશના તમામ વર્ગો માટે આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ દ્વારા માત્ર વાયદાઓ કરીને ભૂલી જવામાં આવેલા પણ કામો મોદી દ્વારા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ ફલક ઉપર ભારતને સર્વોચ્ચ સ્થાને લઈ ગયા છે. નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓની સફળતાઓની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિકાસના વિવિધ કામો જેવા કે નેશનલ હાઇવેના નિર્માણ બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેન તેમજ યુવાઓને રોજગાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાય સહિતની યોજનાઓને આંકડાકીય માહિતી આપી હતી.
નડ્ડાએ જણાવ્યું હતું કે, શિવસેના, માયાવતી, અખિલેશ યાદવ આ તમામ લોકોને પરિવારવાદને માની રહ્યા છે. તેઓએ પોતાના પરિવારનું જ વિચાર્યું છે, દેશનું વિચાર્યું નથી, જ્યારે નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષથી દેશ માટે જ વિચાર્યું છે અને દેશ માટે જ રાત દિવસ કામ કરી રહ્યા છે. આમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ જંગી બહુમતીથી વિજયી થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વધુ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું. મને પાવાગઢ મહાકાળી માતાના પાવન ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. ગુજરાતે વીરો, સંતો, સંન્યાસી અને સમાજ સુધારકની ધરતી છે. ગોધરામાં મુશળધાર વરસાદ આવ્યો છે. છતાં પણ તમામ કાર્યકરો હોદ્દેદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. વરસાદ હોવા છતાં પણ તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ભાજપ પાર્ટી પ્રત્યે તમારી લાગણી દર્શાવી તે બદલ હું દિલથી આભાર માનું છું.