Site icon Revoi.in

નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવાનું મુહૂર્ત કઢાવી લીધું, વિશાળ સંમેલન યોજીને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિવિધ સમાજના મોટા માથાઓને પક્ષમાં ખેંચવાની હોડ જામી છે. ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કયા રાજકિય પક્ષમાં જોડાશે તે અંગે ચાલી આવતી અટકળોનો હવે અંત આવવાની તૈયારીમાં છે. મહિનાના અંત પહેલા જ એટલે કે 10 દિવસમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની વિધિવત જાહેરાત કરી દેશે. અને 15મી જુન સુધીમાં રાજકોટમાં કોંગ્રેસના યોજાનારા મહાસંમેલનમાં નરેશ પટેલે રાહુલ ગાંધીના હસ્તે ખેસ ધારણ કરશે. જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ બહ જલ્દી જાહેરાત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર તમામ પક્ષોએ શરૂ કરી દીધો છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મહાસંમેલન 15મી જુન આસપાસ યોજાશે. જેમાં નરેશ પટેલ શક્તિ પ્રદર્શન કરીને વાજતે-ગાજતે કોંગ્રેસમાં જોડાશે.અને રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરશે. રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્મા સહિતના પ્રદેશના નેતાઓ નરેશ પટેલને તાજેતરમાં મળ્યા હતાં અને ખાસ કરીને રઘુ શર્માએ નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશને આખરી ઓપ આપ્યો હતો. ત્યારબાદ નરેશ પટેલ દિલ્હી જવા રવાના થઇ ગયા હતાં. બીજી બાજુ  સવારે રાજકોટથી જ રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર પણ દિલ્હી જવા રવાના થયા હતાં.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવશે કે કેમ ? અને આવશે તો ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં ? તેની ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. નરેશ પટેલે વારંવાર એવું કહ્યું છે કે, મને સમાજ કહેશે એ પ્રમાણે હું નિર્ણય લઇશ. આ મામલે તેમણે સર્વે પણ કરાવ્યો હતો. આ સર્વેના અંતે નરેશ પટેલે સક્રિય રાજકારણમાં આવવું જોઇએ તેવો મત જાણવા મળ્યો હતો આથી નરેશ પટેલે સક્રિય રાજકારણમાં આવવાનો અને કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય લીધો હોવાનો આ સૂત્રોએ જણાવ્યું છે. જગદિશ ઠાકોરે પણ એવું કહ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા છે તેવી ખબર પડી એટલે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ એકથી વધુ વખત નરેશ પટેલ કોંગ્રેસમાં જ આવશે તેવી આશા પણ વ્યકત કરી હતી.