નારી શક્તિ વંદનઃ રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું
નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણ સંશોધન બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. દેશના રાજકારણ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા આ બિલને બુધવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં નારી શક્તિ વંદન બીલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે જ મત પડ્યાં હતા. સંસદ દ્વારા પાસ થયા બાદ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપવામાં આવશે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે ‘બંધારણ (128મો સુધારો) બિલ, 2023’ રજૂ કર્યું હતું. નવા સંસદ ભવનમાં રજૂ થનારું આ પહેલું બિલ છે. બિલ રજૂ કરતી વખતે મેઘવાલે કહ્યું કે, આ બિલ મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત છે અને તે કાયદો બન્યા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા વર્તમાન (82) થી વધીને 181 થઈ જશે. તે પસાર થયા પછી, વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહેશે.
તેમણે કહ્યું કે, આ બિલને લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને સીમાંકનની જરૂર પડશે. આ બિલ પાસ થતાંની સાથે જ સીમાંકનનું કામ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવશે. મેઘવાલે બિલ રજૂ કર્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી. કોંગ્રેસ વતી રંજીતા રંજને પ્રથમ સંબોધનની શરૂઆત કરી હતી. લોકસભામાં બિલ પાસ થયા બાદ આજે રાજ્યસભામાં બિલ રજુ કરવામાં આવ્યું છે. જેની ચર્ચામાં ભાજપના સિનિયર જેપી નડ્ડાએ બિલને સમર્થન આપ્યું હતું.