નર્મદા ડેમની જળસપાટી 137.13 મીટર ઉપર પહોંચાઈ, 97 ટકા જળસંગ્રહ
અમદાવાદઃ ગુજરાતની જીવાદેરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન જળસપાટી 137.13 મીટર પહોંચી છે. નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ ડેમ લગભગ 97 ટકા જેટલો ભરાયેલો હોવાનું જાણવા મળે છે.
સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક ઘટી છે, અને એક દિવસમાં ડેમની સપાટીમાં 13 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમ પર પાણીની આવક 66204 ક્યુસેક થઈ રહી છે અને બે દરવાજા ખોલીને પાંચ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બે વર્ષ બાદ નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી જતાં ડેમમાં પાણીનો લાઇવ સ્ટોક 5452 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. ગુજિરાતમાં ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.
નર્મદા ડેમ ખાતે 1200 મેગાવોટ નું રીવરબેડ પાવર હાઉસ 24 કલાક ચાલે છે જેમાંથી રોજ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેનું 42978 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મુખ્ય કેનાલમાંથી 16900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.