રાજકોટના આજી ડેમમાં નર્મદાની નીર ઠલવાયા, હવે બે મહિના સુધી પાણીની મુશ્કેલી નહીં પડે
રાજકોટઃ શહેરના લોકોને હાલ આજી ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધતા પાણીની વપરાશમાં પણ વધારો થયો છે. ત્યારે સમયાંતરે નર્મદાના નીરથી ડેમને ભરવામાં આવે છે. હાલ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. આજી ડેમ ભરાતા હવે બે-ત્રણ મહિના શહેરમાં દરેક ઘરને પુરતા પ્રેશરથી પાણી મળી રહેશે,
રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા કાયમી રહેતી હોય છે. તાજેતરમાં જ શહેરમાં અનેક નવા વિસ્તારો મ્યુનિ.માં ભળતા પાણીની જરૂરિયાત વધી છે. જો કે, તેની સામે કોઈ નવા જળાશયો બન્યા નહીં, હોવાથી મુશ્કેલી વધી છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૌની યોજના હેઠળ પાણી ઠાલવવામાં આવતા જળસંકટ હળવું થાય છે. ત્યારે આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવાતા ડેમ છલકાઈ ગયો હતો.
રાજકોટ સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી આજી-1 ડેમમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમાન્ડ અનુસાર સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આજી-1 ડેમમાં શનિવારે સવાર સુધીમાં 10 ફૂટ જેટલુ નર્મદા નીર ઠલવાઈ ગયું હતું. ત્યારબાદ સાંજ સુધીમાં આજી-1 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ડેમમાં પાણીનો 730 એમસીએફટી જથ્થો સંગ્રહ થઈ ગયો છે. જેને પગલે ફેબ્રુઆરીનાં અંત કે માર્ચ મહિનાની શરૂઆત સુધી હાલ પાણીની મુશ્કેલી થવાની શક્યતા નથી. આજી ડેમની સંગ્રહ ક્ષમતા 900 એમસીએફટી છે. દૈનિક આઠ એમસીએફટી જેટલુ પાણી ઉપાડી રાજકોટમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ નર્મદાના નીર રાજકોટવાલીઓ માટે જીવાગોરી સમાન બન્યા છે.