અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132 મીટર પર પહોંચી છે. જે ડેમ મહત્તમ સપાટીથી 6 મીટર દુર છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 77.81 ટકા જેટલો રવિવારે બપોર બાદ નોંધાયો હતો. નર્મદા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. તેથી થોડા દિવસમાં ડેમ છલોછલ ભરાઈ જશે. ડેમ પરના તમામ ટર્બાઈન વીજ મથકો કાર્યરત બની ગયા છે. દરમિયાન કચ્છ માટે નર્મદા કેનાલમાં 300 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. જે ચારથી પાંચ દિવસમાં દિવસમાં કચ્છમાં પહોંચી જશે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી રવિવારે 132 મીટરને વટાવી ગઈ હતી. હાલ ડેમની જળસપાટી ઓવરફ્લો લેવલથી 6 મીટર નીચે છે. જો કે મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોવાથી થોડા દિવસોમાં ડેમ છલોછલ ભરાઈ જશે.શનિવારની મધરાત્રી દરમિયાન પાણીની આવક 1 લાખ ક્યુસેક કરતા વધુ થઈ રહી હતી. જે દિવસે એંકદરે 80 હજાર ક્યુસેકની આસપાસ રહી હતી. જોકે રવિવારે બપોરે 12 કલાકે પાણીની આવક ફરીથી 1 લાખ ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. નર્મદા નદીમાં હાલ 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. નર્મદા ડેમમાં પાણીની આવક થવાને લઈ વીજ ઉત્પાદન શરુ થઈ ચુક્યુ છે. નર્મદા ડેમ પર આવેલ RBPH ના 6 ટર્બાઈન અને CHPH 3 ટર્બાઈન શરૂ કરવામાં આવ્યા છે.
કચ્છના ખેડૂતોને ખેતી માટે પાણી મળે તે માટે કચ્છ બ્રાન્ચ કેનાલમાં સલીમગઢાથી ૩૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જે ચાર-પાંચ દિવસમાં કચ્છ પહોંચશે. નર્મદા કેનાલમાં પાણી મુદ્દે કચ્છના કિસાનોની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવાયો હતો. કચ્છમાં પાછોતરા વરસાદમાં વિલંબ થતાં ખેતરમાં ઊભેલા પાક માટે પાણીની ખેંચ ઊભી થઈ હતી. આથી કચ્છ શાખાની નહેરમાં સલીમગઢ ખાતેાથી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.