અમદાવાદ: શહેરના નારોલની ડિવાઇન લાઇફ સ્કૂલમાં આગ લાગતા શાળાના કર્મચારીઓ દ્વારા ત્વરિત કામગીરી કરીને આગ બુઝાવી દીધી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
આ બનાવની વિગતો એવી છે. કે, શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ડિવાઇન લાઈફ સ્કૂલમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. શાળામાં સામાન્ય શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ અંગેની જાણ થતા શાળાના કર્મચારીઓ દ્વારા જ ફાયરના સાધનોથી થોડીવારમાં જ આગ બુઝાવી દેવામાં આવી હતી. જોકે, આગ લાગવાની જાણ થતાની સાથે જ બાળકોને સ્કૂલમાંથી છોડી દેવાયા હતા. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કર્યાના પાચ મિનિટમાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, નારોલ વિસ્તારમાં આવેલી ડિવાઇન લાઈફ ઇન્ટરનેશલ નામની સ્કૂલમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સ્કૂલમાં ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સામાન્ય આગ લાગતા તાત્કાલિક બૂઝાવી દેવામાં આવી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જ્યારે આ ઘટના બની ત્યારે સ્કૂલ ચાલુ હતી. જેથી આગ લાગવાની જાણ થતા જ સ્કૂલમાં ભણતા બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સ્કૂલમાં ફાયર સિસ્ટમ લગાવેલી હતી અને એનઓસી પણ હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં એડવાઈઝરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.