Site icon Revoi.in

મહિલા સશક્તિકરણ: યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવાની તાલિમ અપાશે

Social Share

યુપી: દેશમાં હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને મહિલા સશક્તિકરણ ઝડપથી વધી રહ્યું છે. હવે ઉત્તરપ્રદેશમાં પ્રથમવાર મહિલાઓ રાજ્ય માર્ગ પરિવહન નિગમોની બસનું સંચાલન કરતી જોવા મળશે. મહિલાઓ ઉત્તરપ્રદેશમાં હવે બસ ચલાવતી જોવા મળશે. UPSRTC મૉડલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિંસિપાલ એસપી સિંહે કહ્યું હતું કે, “યુપીમાં પ્રથમવાર મહિલા બસ ડ્રાઇવરોને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે 19 મહિલાઓને પ્રશિક્ષણ આપવામાં આવશે, તેઓએ 7 મહિનાની તાલિમ લેવી પડશે અને ત્યારબાદ તેઓ એડવાન્સ ટ્રેઇનિંગ મોડ્યુલના ભાગરૂપે ડેપોમાં 17 મહિનાના પ્રોબેશન પીરિયડ પર કાર્યરત રહેશે.

કૌશલ ભારત મિશન અંતર્ગત જે મહિલાઓની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે, જેઓએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે, જેની લંબાઇ ઓછામાં ઓછી 5 ફૂટ 3 ઇંચ છે અને જેની પાસે મોટર વાહનો માટે લર્નર પરમિટ છે, તેઓની ભરતી કરાશે. બેઝિક ટ્રેનિંગ નિ:શુલ્ક અપાશે. પ્રોબેશન દરમિયાન તેઓએ રાજ્ય સરકાર દ્વારા રહેવાની તેમજ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. બે વર્ષના સંપૂર્ણ કાર્યક્રમના અંતમાં તેઓએ એક ભારે વાહન ચલાવવા માટેનું લાઇસન્સ પ્રાપ્ત થશે.

પહેલી બેંચની તાલિમ માર્ચમાં શરૂ થશે. એક વાર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તેઓ પિંક એક્સપ્રેસ બસની ચાલક બનશે. આ વાતાનુકૂલિત બસોમાં સુરક્ષા માટે વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ તેમજ સીસીટીવી કેમેરા પણ છે. યૂપીએસઆરટીસી પાસે આવી 50 બસો છે જે હાલમાં પુરુષો દ્વારા સંચાલિત છે. શરૂઆતમાં તાલિમ મેળવેલી મહિલાઓને આ બસોનું સંચાલન કરવાનું કહેવામાં આવશે. આ બસનું સંચાલન પણ માત્ર મહિલાઓ દ્વારા જ કરાશે.

નોંધનીય છે કે, જ્યારે મહિલાઓ માટે પિંક એક્સપ્રેસ બસની સેવા શરૂ કરાઇ હતી, ત્યારે રાજ્યમાં એક અજીબ સમસ્યા જોવા મળી હતી. આ બસ સેવા મહિલાઓને સુરક્ષિત યાત્રા પ્રદાન કરવા માટે હતી, જેમાં માત્ર મહિલા કર્મચારીઓ હતી. પરંતુ જ્યારે તેઓને એક કંડકટર અને સહાયક કર્મચારીઓ મળ્યા ત્યારે કોઇ પ્રમાણિત મહિલા બસ ચાલક ન હતા.

(સંકેત)