Site icon Revoi.in

નાતાલની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ, વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ

Social Share

નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ સમગ્ર વિશ્વમાં ફરીથી જોવા મળી રહ્યો છે. યુરોપ, અમેરિકામાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકો ઓમિક્રોનના ડરે ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ક્રિસમસનું સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે ક્રિસમસ સપ્તાહ પર ઓમિક્રોનનું ગ્રહણ લાગ્યું છે. આ વેરિએન્ટ પ્રબળ બનતા હવે નવા વર્ષની ઉજવણી પણ ફિક્કી પડી રહી છે. ઓમિક્રોનને કારણે વિશ્વભરમાં 6,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

વિશ્વભરમાં રદ્દ કરાયેલી ફ્લાઇટ્સની વાત કરીએ તો શનિવારે વિશ્વભરમાં 2,800 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 970થી વધુ ફ્લાઇટ્સ યુએસ એરપોર્ટ પરથી શરૂ થવાની હતી અને પહોંચવાની હતી. આ જ સમયગાળા દરમિયાન, 8,000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. શુક્રવારે, 2400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 11,000 ફ્લાઇટ્સ મોડી પડી હતી. રવિવારે 1,100 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

યુએસની યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એર લાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જે કોવિડ-19 ચેપના વધારા વચ્ચે સ્ટાફની અછતને કારણે શુક્રવારે લગભગ 280 જેટલી હતી. આ ઉપરાંત, લુફ્થાંસા, જેટબ્લુ, અલાસ્કા એરલાઇન્સએ પણ પીક ટ્રાવેલ સમયે ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

આ વખતે ઓમિક્રોન વેરિએન્ટની દહેશતને કારણે નાતાલની ઉજવણી પર ગ્રહણ લાગ્યું છે. આ સમય દરમિયાન નાતાલની ઉજવણી માટે અનેક લોકો પોતાના પરિવારજનો અને સંબંધીઓને મળવા માટે પ્રવાસ કરતા હોય છે, પરંતુ આ વખતે ઓમિક્રોનની દહેશતને કારણે તેઓને ઘરની ચાર દિવાલોમાં જ ઉજવણી કરવાની ફરજ પડી છે.