PM મોદીના ‘આત્મનિર્ભર ભારત’ માટેના આ 3 કામોથી તેઓ ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા
- PM મોદીએ કરેલા આ 3 કામથી તેઓ ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા
- ભારતે રસીકરણ, સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોની આયાત તેમજ 5G નેટવર્કના કામમાં આત્મનિર્ભરતા દર્શાવી
- PM મોદીના આ ત્રણેય કામથી ચીન સહિતના દેશોને આર્થિક રીતે મોટો ઝટકો લાગ્યો
અમદાવાદ: ભારતમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનો સંકટકાળ ચાલી રહ્યો છે. કોરોના મહામારી સામે લડવા હાલમાં સૌથી મોટું હથિયાર ગણાતા એવા વેક્સિનેશન માટેની બે વેક્સિન ભારતમાં જ નિર્મિત થઇ અને સાથોસાથ ભારતે ગત વર્ષે અનેક જરૂરિયાતમંદ દેશોને વેક્સિનની નિકાસ કરી. અહીંયા તાત્પર્ય એ છે કે PM મોદીના નેતૃત્વ હેઠળ સરકારે છેલ્લા કેટલાક મહિનાઓમાં જે સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તે ખરા અર્થમાં પ્રશંસનીય છે.
તો ચાલો પીએમ મોદીના એવા ત્રણ કામો વિશે જાણીએ જેને કારણે હાલમાં તેઓ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહોના નિશાન બન્યા છે. મોદી સરકારના ત્રણ નિર્ણયોથી ભારતે સમગ્ર વિશ્વને ભારતના સામર્થ્ય અને સંકલ્પ ચરિતાર્થ કરવાની ક્ષમતાનો પરચો આપ્યો છે.
પ્રથમ કામ – રસીકરણ:
કોરોના મહામારી સામેની લડત માટે અસરકારક ગણાતું હથિયાર એવી વેક્સિનના સંદર્ભે પીએમ મોદીની કામગીરી પ્રશંસનીય રહી. ભારતે વિશ્વની સૌથી મોટી તાકાત એવી ફાઇઝર સામે નમ્યા વગર આત્મનિર્ભર ભારતનું દ્રષ્ટાંત પૂરું પાડતા ભારતમાં જ કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની બે રસીઓનું નિર્માણ કર્યું. મોદી સરકારે આત્મનિર્ભરતા દર્શાવીને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પશ્વિમી દેશોની લોબી સામે દુશ્મની કરી લીધી. દેશમાં જ વેક્સિનનું નિર્માણ કરવા ઉપરાંત ભારતે અનેક જરૂરિયાતમંદ દેશોને વેક્સિન પહોંચાડીને અનેક દેશોનું સમર્થન પણ પ્રાપ્ત કર્યું.
બીજું કામ – 5G નેટવર્ક:
ભારતમાં જ સુપરફાસ્ટ ઇન્ટરનેટ માટે સક્ષમ એવા 5G નેટવર્ક માટે ભારતે અન્ય દેશો પરની પરાધીનતા લગભગ ખતમ જ કરી નાંખી. ભારતે 5G નેટવર્કની સ્પેક્ટ્રમની યાદીમાં ચીનના ZTE અને HUAWEI કંપનીને બાકાત રાખીને ચીનને જોરદાર ઝટકો આપ્યો અને ચીનને આર્થિક રીતે પણ આંચકો આપ્યો. ભારતે ચીનની આ બંને કંપનીઓને બાકાત રાખીને તેઓને ભારતની બહાર આવતા 100 વર્ષ માટે ધકેલી દીધા. આમ ટેક્નોલોજી બાબતે પણ ભારતે આત્મનિર્ભરતા દર્શાવી. તે ઉપરાંત ભારતમાં ટિકટોક પરના પ્રતિબંધથી પણ ચીનને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું.
ત્રીજું કામ – સંરક્ષણ ક્ષેત્રે સ્વાવલંબન
ભારત અનેક વર્ષોથી અન્ય દેશો પાસેથી મોટા પાયે શસ્ત્રોની આયાત કરતું હતું. જો કે માર્ચમાં આવેલા આંકડાઓ અનુસાર, ભારતે મેક ઇન ઇન્ડિયાને વધુ વેગ આપતા પોતાના શસ્ત્રો જે બીજા દેશો પાસેથી ખરીદતું હતું તેમાં 33 ટકાની કમી આવી. આ તમામ શસ્ત્રોનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવ્યું.
સંરક્ષણ ક્ષેત્રે પણ મેક ઇન ઇન્ડિયાને સાર્થક કરતા મોદી સરકારે લીધેલા આ પગલાંથી અમેરિકાને 46 ટકા શસ્ત્રો વેચવામાં નુકશાન થયું જ્યારે રશિયાને 22 ટકા નુકશાન થયું છે. આ નુકશાન 2-5 લાખ કરોડનું છે, જે દર વર્ષે જો ગણવા બેસો તો આગામી 5-10 વર્ષમાં ભારતનું એક આખું બજેટ ફ્રી થઇ જાય એટલું મોટું છે.
આ ત્રણેય કામમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા
પીએમ મોદીના આ ત્રણેય કાર્યો સુપેરે પાર પાડવામાં ગુજરાતે એપીસેન્ટર બનીને મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. જેમ કે ભારતની બનાવટના શસ્ત્રો હજીરાથી લઇને પીપાવાવ સુધી બન્યા. કેડિલા, ઇન્ટાસ, ઝાયડસ-પૂનાવાલા એ રસીઓ અને દવાઓ બનાવી. રિલાયન્સે સંપૂર્ણપણે સ્વદેશી 5G નેટવર્ક બનાવીને ચીનના સૌથી શક્તિશાળી લોબીને ભારતની બહાર મોકલી દીધી.
નોંધનીય છે કે, પીએમ મોદીના આ ત્રણેય કાર્યોથી અનેક પશ્વિમી દેશોને ખરબો-ખરબો રૂપિયાનો ચૂનો લાગ્યો અને ભારત આત્મનિર્ભરના સંકલ્પને ચરિતાર્થ કરવામાં સતત આગળ વધ્યું. PM મોદીની આ જ કામગીરીની કારણે PM મોદી ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા અને અનેક દેશોએ કોરોનાનો લાભ લઇને મોદીને પછાડવા માટે આરોપો કર્યા.