ગુરુજી વ્યાખ્યાનમાળા: ડૉ. મનમોહન વૈધે કહ્યું – ધર્મને સમજવા પહેલા ભારતને સમજવું આવશ્યક
- હાલમાં ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત ચાલી રહ્યું છે સંબોધન
- RSSના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈધ કરી રહ્યા છે સંબોધન
- દર વર્ષે માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા વ્યાખ્યાનમાળા યોજાય છે
નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રીય વિચારો અને મૂલ્યોનું સંવર્ધન થાય તે પણ અતિ આવશ્યક બન્યું છે ત્યારે રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષે માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા યોજાતા ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે 19, ફેબ્રુઆરી, 2021ના રોજ “ધર્મચક્ર પ્રવર્તનાય’ એટલે કે ધર્મ ચક્ર પ્રવર્તન વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજનું સંબોધન સાંભળવા આ લિંક પર ક્લિક કરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ વ્યાખ્યાનના મુખ્ય વક્તા છે. તેઓ હાલમાં આ વિષય પર વિચારણીય, ચિંતનીય અને તાર્કિક પ્રબોધન કર્યું હતું, તેમણે ધર્મની વ્યાખ્યા, ધર્મ શું છે, ધર્મનું મહત્વ કેટલાક દ્રષ્ટાંતો સાથે સમજાવ્યું હતું. તે ઉપરાંત તેમણે રવિન્દ્રનાથ ટાગોર તેમજ સ્વામી વિવેકાનંદની વિચારધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
વાંચો લાઇવ સંબોધનના મુખ્ય અંશો
ધર્મ ધર્મ છે. ભારતના નિર્માણ વખતે લોકોમાં ધર્મ શબ્દ સ્પષ્ટ હતો. ભારતની લોકસભામાં પાછળ લખ્યું છે. ધર્મચક્ર પ્રવર્તનાય, સંઘે નથી લખ્યું, અંગ્રેજોએ પણ લખ્યું નથી. રાજ્યસભામાં પણ લખ્યું છે, સુપ્રીમ કોર્ટમાં પણ ધર્મ વિશે લખ્યું છે. રો નામની ગુપ્તચર સંસ્થામાં પણ ધર્મનો ઉલ્લેખ છે. રાષ્ટ્રધ્વજનું જે ચક્ર છે એ ધર્મચક્ર છે. આટલા પ્રમુખ સંસ્થાનોમાં ધર્મ શબ્દ છે, તેનું કઇક તો કારણ હશે. ધર્મનું ભારતીય જીવનમાં ખૂબ જ મહત્વ છે. ધર્મ એક શુદ્વ ભારતીય શબ્દ છે. અન્ય કોઇ ભાષામાં તેનું અનુવાદ શક્ય નથી. ધર્મને સમજવા પહેલા ભારતને સમજવું જરૂરી છે. ભારત સિવાય ક્યાંય વિદેશમાં આધ્યાત્મિક જીવન નથી.
અનેકતામાં એકતા જોવી એ જ ભારતનો ધર્મ છે તેવું ટાગોરજીએ કહ્યું છે. વિવિધતાનો ઉત્સવ મનાવતી એ ભારતની એકમાત્ર સંસ્કૃતિ છે. પ્રત્યેક વ્યક્તિમાં સમાન રીતે દેવતા બિરાજમાન છે અને એ જ દિવ્યતા છે તેવું ભારત માને છે. ધર્મ દરેકનો અલગ અલગ હોઇ શકે છે. ભારતમાં જ્યારે પણ કોરોનાની મહામારી વકરી હતી ત્યારે દરેક ધર્મના લોકો એકબીજાની સહાય કરવા માટે આગળ આવ્યા હતા. એ જ ભારતની વિશેષતા છે.
ઉપાસના ધર્મ માટે છે. ધર્મ એટલે હું ને ઓછું કરવું. ધર્મ એટલે આંખ ખોલીએ ત્યારે સર્વ સમાવિષ્ટ કરવાનો ગુણ. દરેકને સમાવવો એ જ સાચો ધર્મ છે. હું થી આપણો પરિવાર, ગામ, રાજ્ય, સંપૂર્ણ માનવતા છે, સૃષ્ટિ છે. જ્યાં સુધી આ વિસ્તાર વધતો જાય છે અને દરેક એક છે એ જ સાચો ધર્મ છે. એ જ મોક્ષની પણ અનુભૂતિ છે. સમાજને પોતાનો માનીને આપવું એ ધર્મ છે. ધર્મ દરેકને એક છે. એક રાખે છે. ધર્મ ભેદભાવ નથી કરતો.
સમાજ દરેકને એકબીજા સાથે જોડે છે. ધર્મ એટલે સૌને સાથે રાખનાર, સૌને એક સાથે રાખનાર. સમાજની શક્તિને વધારવી છે, સમાજને વધુ સંપન્ન બનાવવો છે. સમાજ માટે નવી વ્યવસ્થા માટે ધર્મ આવશ્યક છે. સમાજની રચના માટે ધર્મ જરૂરી છે. ધર્મ એ વર્તણુકમાં પણ આવે છે. ધર્મ એટલે આપણે દરેક સાથે કેવી રીતે વર્તણુક કરીએ છીએ.
(સંકેત)