- મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનારનું આયોજન
- માનુષી ઇન્ડિયા દ્વારા વેબિનારની સીરિઝનું કાલથી આયોજન
- તારીખ 4 થી 8 ઑગસ્ટ દરમિયાન અલગ અલગ લેક્ચર્સ યોજાશે
અમદાવાદ: ભારતમાં જો ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ પર નજર કરીએ તો તેના મૂળ કેરળના માલાબાર તટ સુધી જાય છે જ્યાંથી અરબ વ્યાપારીઓના માધ્યમથી ઇસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હતો. માલાબાર ક્ષેત્રની ચેરામન જુમા મસ્જિદ, ભારતમાં ઇસ્લામ ધર્મના પ્રવેશનું પ્રતીક છે. તે સમયે જે લોકો જાતિ અને વર્ણ વ્યવસ્થાથી પીડિત હતા તે લોકોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. એ રીતે ઇતિહાસના અરીસા પર નજર કરીએ તો 20 ઑગસ્ટ, 1921ના રોજ કેરળના માલાબાર વિસ્તારમાં મોપલા વિદ્રોહની શરૂઆત થઇ હતી.
માલાબારના મુસ્લિમોનો આ વિદ્રોહ શરૂઆતમાં ખિલાફત આંદોલનના સમર્થન અને અંગ્રેજોની વિરુદ્વ હતો. જો કે આ વિદ્રોહ માત્ર કેટલાક સમયમાં જ સાંપ્રદાયિક હિંસામાં તબદીલ થઇ ચૂક્યું હતું. મોપલા મુસ્લિમોના નિશાના પર મોટા ભાગે હિંદુ હતા. સાંપ્રદાયિક હિંસામાં હજારો હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી. હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માતંરણ કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યા. અનેક હિંદુ મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. ઇતિહાસના કદાચ આ જ પાનાને હિંદુઓ વિરુદ્વ મુસ્લિમોનું પહેલું જિહાદ માનવામાં આવે છે. આ જ કારણોસર 20 ઑગસ્ટ, 1921નો દિવસ કેરળના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયેલ છે.
આર્ય સમાજ અનુસાર આ વિદ્રોહ દરમિયાન 2500 હિંદુઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો અને 600 હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી હતી. આ જ કાળા દિવસની આજે 100મી વરસી છે.
મોપલા વિદ્રોહની 100મી વરસી પર માનુષી ઇન્ડિયા દ્વારા વેબિનારની સમગ્ર સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર સીરિઝમાં ‘મહાત્મા ગાંધીના ખિલાફત આંદોલનના ઘેરા પ્રત્યાઘાતો’ વિષય પર ચર્ચા કરવામાં આવશે અને વક્તાઓ આ વિષય પર વક્તવ્ય થકી પોતાના અભિપ્રાયો રજૂ કરશે.
આ વેબિનારનું આયોજન તારીખ 4, 5, 6, 7, 8, ઑગસ્ટ, 2021ના રોજ કરવામાં આવ્યું છે. વેબિનારનું આયોજન આ તારીખ દરમિયાન દરરોજ સાંજે 6.30 કલાકથી 8.30 કલાક સુધી કરવામાં આવ્યું છે.
આ વેબિનારને અહીંયા આપેલી લિંક પર ક્લિક કરીને નિહાળી શકાશે.
મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનાર
મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનાર યુટ્યુબ
જે વક્તાઓ વેબિનારમાં પોતાના વિચારો રજૂ કરશે તેમાં સંદિપ બાલક્રિષ્ણ, સંકુ દાસ, શંકર શરન, નીરજ આતરી, આનંદ રંગનાથન રહેશે અને હોસ્ટ તરીકે માનુષી ઇન્ડિયાના સ્થાપક મધુ પૂર્ણિમા રહેશે.
આ વેબિનાર સીરિઝ બાદ પ્રશ્નો અને ઉત્તર સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનું સંચાલન પનુન કશ્મીરના સ્થાપક ડૉ. અજય ચુરંગુ અને IIM, બેંગ્લોરના પ્રોફેસર વૈદ્યનાથન કરશે.