- લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ
- કાયદા મંત્રી કિરણ રિજ્જુએ બિલ રજૂ કર્યું
- હવે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડાશે
નવી દિલ્હી: લોકસભામાં હવે ચૂંટણી સુધારથી સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાયદો બિલ, 2021 પાસ થઇ ચૂક્યું છે. આ બિલમાં મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, AIMIM, RSP, BSP જેવી પાર્ટીએ આ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો હતો.
ચૂંટણી કાયદો બિલ, 2021ને કાયદા મંત્રી કિરણ રિજ્જૂએ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સભ્યોએ તેનો વિરોધ કરવા માટે જે તર્ક આપ્યા છે, તે સર્વોચ્ચ ન્યાયલયના નિર્ણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ સર્વોચ્ચ કોર્ટના નિર્ણયને અનુરૂપ છે.
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ કરવાનો વિરોધ કરતા કહ્યું કે, તે પુત્તુસ્વામી વિરુદ્વ સરકાર મામલામાં સર્વોચ્ચ ન્યાયલયના નિર્ણયની વિરુદ્વ છે. આપણે ત્યાં ડેટા સુરક્ષાનો કાયદો નથી અને ભૂતકાળમાં ડેટાનો દુરુપયોગના મામલા પણ આવ્યા છે.
બિલનો વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યુ કે, આ પ્રકારે બિલ લાવવું સરકારની કાયદાકીય યોગ્યતાથી ઉપર છે. આ સિવાય આધાર કાયદામાં પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારથી આધારને ન જોડી શકાય. તેમણે કહ્યું કે, અમે તેનો વિરોધ કરીએ છીએ અને તેને પરત લેવું જોઈએ.