Site icon Revoi.in

તામિલનાડુ ચૂંટણી: મતદારોને વોશિંગ મશિન, લેપટોપ સહિત વાયદાઓની હારમાળા

Social Share

નવી દિલ્હી: ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટે ચૂંટણી પક્ષો અનેક વાયદાઓની હરોળ લાવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને તામિલનાડુના રાજકીય પક્ષો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.

તામિલનાડુમાં આ વખતે યોજાનારી ચૂંટણીમાં વાયદાઓનો વરસાદ થઇ રહ્યો છે. ભાજપ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહેલી સત્તાધારી પાર્ટી AIADMKએ તો વાયદાઓનો પટારો ખોલી નાંખ્યો છે. AIADMKએ જાહેર કર્યું છે કે, દરેક પરિવારના એક સભ્યને એક સરકારી નોકરી આપવામાં આવશે. ઉપરાંત એક વોશિંગ મશિન અને ગરીબ પરિવારોને ફ્રી કેબલ કનેક્શન પણ આપવામાં આવશે.

ઘરેલૂ ગેસની વધતી જતી કિંમતોથી લોકો ત્રસ્ત છે ત્યારે AIADMK દ્વારા લોકોને ફ્રીમાં સોલર ગેસ સગડી આપવાનું અને દરેક પરિવારને વર્ષમાં 6 સિલિન્ડર ફ્રી આપવાનો પણ વાયદો કરાયો છે.

તેની સામે હરીફ પાર્ટી ડીએમકે દ્વારા જાહેરાત કરાઈ છે કે, જો અમે સત્તા પર આવ્યા તો ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો કરીશું.ઉપરાંત સરકારી સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને ફ્રી ટેબલેટ આપવાનો વાયદો કર્યો છે.ધો 9 થી 11ના વિદ્યાર્થીઓને ફ્રી ભોજન પણ આપવામાં આવશે.

મહિલાઓને લોભાવવા માટે પણ બંને પાર્ટીઓએ મેટરનિટી લીવને 6 મહિનાથી લંબાવીને એક વર્ષ કરવાની જાહેરાત કરી છે.ડીએમકેએ તો એક ડગલુ આગળ વધીને કહ્યુ છે કે, મેટરનિટી લીવની સાથે સાથે 24000 રુપિયાની સહાય પણ અમારી સરકાર કરશે.

બીજી તરફ દરેક રેશન કાર્ડ ધારકને એક વખત માટે 4000 રુપિયા અપાશે.તીર્થ યાત્રા માટે એક લાખ ભાવિકોને 25-25000 રુપિયા પણ આપવામાં આવશે.ડીએમકેએ કરેલા વાયદાઓની સંખ્યા 500 જેટલી થવા જાય છે.જેને પૂરા કરવા માટે એક અલગ મંત્રાલય બનાવાશે.

(સંકેત)