નવી દિલ્હી: હવે એર ઇન્ડિયા સત્તાવાર રીતે તાતા ગ્રૂપનો હિસ્સો બની ચૂકી છે અને હવે તેની કમાન તાતા ગ્રૂપના હાથમાં છે. આજથી તાતા ગ્રૂપના હાથમાં કમાન આવ્યા બાદ હવે તેની એક નવી શરૂઆત થશે. કંપનીના એરક્રાફ્ટ તાતા ગ્રૂપ હેઠળ ઉડાન ભરશે. ટેકઓફ પહેલા, મુસાફરોનું વિમાનમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ મુસાફરો માટે યાદગાર અનુભવ બની રહે તે માટે એરલાઇન કંપની દ્વારા ક્રૂ મેમ્બર્સને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્લેનનું મુસાફરોનું સ્વાગત કરવામાં આવશે. ટેક ઑફ કરતા પહેલા કેપ્ટન એક જાહેરાત કરશે કે, પ્રિય ગ્રાહક, હું આપનો કેપ્ટન બોલી રહ્યો છું. આજની ઐતિહાસિક ફ્લાઇટમાં આપનું સ્વાગત છે. આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે એર ઇન્ડિયા 7 દાયકા બાદ ફરીથી સત્તાવાર રીતે તાતા ગ્રૂપનો હિસ્સો બની ચૂકી છે. અમે એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં અને દરેક ફ્લાઇટમાં નવી જોશ સાથે તમારી સેવા કરવા માટે ઉત્સુક છીએ. સારી યાત્રાની આશા સહ. આભાર.
અગાઉ, એર ઇન્ડિયાના સત્તાવાર હસ્તાંતરણ પૂર્વે તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન તેમજ વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમિયાન એર ઇન્ડિયાની ભાવિ રૂપરેખા તેમજ હેન્ડઓવરની પ્રક્રિયા અંગે વાતચીત થઇ હતી. તે પછી એન. ચંદ્રશેખરન એર ઇન્ડિયા હેડક્વાર્ટર પહોંચ્યા હતા. હેન્ડઓરની પ્રક્રિયા બાદ બોર્ડ સાથે બેઠક થઇ હતી.
અત્રે જણાવવાનું કે, એર ઇન્ડિયાનો પ્રારંભ વર્ષ 1932માં થયો હતો. એ સમયે જેઆરડી ટાટાએ તાતા એરલાઇન્સના નામથી તેની શરૂઆત કરી. બાદમાં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તાતા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા કરવામાં આવ્યું. જો કે ત્યારબાદ સતત ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયાના હિસ્સાને વેચવાનું સરકારે નક્કી કર્યું અને તાતાએ 18,000 કરોડ રૂપિયામાં બોલી લગાવીને એરલાઇન્સ ખરીદી લીધી.