- PM મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાઇ
- સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સાર્થક ચર્ચા કરવા માટે તૈયાર: PM મોદી
- બેઠકમાં 33 દળોના 40થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ બાકી છે ત્યારે પીએમ મોદીએ રવિવારે સર્વદળીય બેઠક બોલાવી હતી અને તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ અંગે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, બેઠકમાં 33 દળોના 40થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, વિપક્ષના લોકો સહિત બધા પ્રતિનિધિઓનું સૂચન ખૂબ જ કિંમતી છે.
સર્વદળીય બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સંસદમાં સ્વસ્થ અને સાર્થક ચર્ચા થવી જોઇએ. સરકાર સંસદીય નિયમો તેમજ પ્રક્રિયાઓ અનુસાર કોઇપણ વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
આ બેઠકમાં પીએમ મોદી અને જોશી સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના ગૃહ નેતા પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસબામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી હાજર રહ્યા હતા.
તે ઉપરાંત બેઠક દરમિયાન ટીએમસીના નેતા ડેરેક ઑ બ્રાયન, ડીએમકે કે તિરુચી શિવા, સપાના નેતા રામ ગોપાલ યાદવ અને બસપાના સતીષ મિશ્રા સહિતના નેતા હાજર રહ્યા હતા.અપના દળના નેતા અને NDA સહયોગી અનુપ્રિયા પટેલ અને લોજપા નેતા પશુપતિ પારસ પણ ઉપસ્થિત હતા.
બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યુ કે, વિપક્ષી દળોએ એક સાથે આવવું જોઈએ અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. તેમણે કહ્યું- ત્રણેય કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા કિસાનો પ્રત્યે સરકારની ઉદાસીનતા ખુબ દુખદ છે.
માયાવતીએ કહ્યું કે બસપા સાંસદ ઈંધણ અને રસોઈ ગેસની કિંમતો, મોંઘવારી અને કોવિડ-19 રસીકરણથી સંબંધિત મામલા સંસદમાં ઉઠાવશે.