- પુલવામા હુમલાને લઇને થયો ચોંકાવનારો ખુલાસો
- પુલવામા હુમલામાં વપરાયેલું રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું
- CAITએ આ ખુલાસો કર્યો
નવી દિલ્હી: કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કૈટએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પુલવામામાં થયેલા હુમલામાં જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એમેઝોન પરથી મંગાવામાં આવ્યો હતો. આ સાથે જ કૈટ દ્વારા એમેઝોન વિરુદ્વ દેશદ્રોહનો કેસ દાખલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
કૈટે એમેઝોન પર ગંભીર આરોપ લગાવ્યા છે કે, એમેઝોન પર ગાંજા જેવા પદાર્થનું વેચાણ કોઇ મોટી વાત નથી. કૈટે આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2019માં જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે તે હુમલામાં જે રસાયણનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે કરાયો હતો. તે રસાયણને એમેઝોનની વેબસાઇટ પરથી ખરીદવામાં આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે વર્ષ 2019માં જે કાશ્મીરમાં પુલવામામાં હુમલો થયો હતો તે આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ મામલે તપાસ એજન્સીઓને તપાસ દ્વારા માલૂમ પડ્યુ હતું કે, જે રસાયણ આતંકીઓએ વાપર્યું હતું તેને એમેઝોન પરથી ઓર્ડર કરવામાં આવ્યો હતો. બાદમાં એમેઝોનની મદદથી જ તપાસ એજન્સીઓએ બે આતંકીઓની ધરપકડ કરી હતી.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરકિયા તેમજ મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ અનુસાર, NIA તરફથી જ્યારે બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ સ્વીકાર્યું કે, તેમણે એમેઝોન દ્વારા બેટરી, આઇઇડી અને અન્ય સામાનની ખરીદી કરી હતી. આ હુમલામાં એમોનિયમ નાઇટ્રેટ સાથે જ નાઇટ્રોગ્વલિરસરીનો પ્રયોગ કરીને બોમ્બ બનાવવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે વર્ષ 2006માં વારાણસી તથા વર્ષ 2008માં દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરાયો હતો અને ત્યારબાદ વર્ષ 2011માં એમોનિયમ નાઇટ્રેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.