Site icon Revoi.in

પેટ્રોલના ભાવ વધારાને નિયંત્રણમાં લેવા ભારત હવે આ મિત્ર દેશની લઇ શકે મદદ

Social Share

નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે હવે ભારત સરકાર કાચા તેલની આયાત માટે અન્ય વિકલ્પ વિશે વિચારી રહી છે.

ભારતમાં સતત વધતા ભાવથી જનતાની કમર તૂટી ગઇ છે અને જલ્દી રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સરકારના મંત્રીઓ ભાવવધારા માટે ક્રૂડના ભાવ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારત સરકાર હવે ઇરાન તરફ જોઇ રહી છે. કાચા તેલ માટે ભારત સરકાર હવે ફરી ઇરાન તરફ વળી છે. ભારત સરકાર તરફથી ઓપેક તેમજ તેના સાથી દેશોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારીથી પહેલા જેવી પરિસ્થિતિને ફરી શરૂ કરવામાં આવે.

ઇરાન સિવાય વેનેઝુએલાથી પણ કાચા તેલની આયાત માટે ભારત વિચારી રહ્યું છે. આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદથી ભારતે ઇરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. ઇરાન તેમજ વેનેઝુએલા પાસેથી તેલ ન ખરીદવા માટે અમેરિકા તરફથી સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું અને તે બાદ વર્ષ 2019માં સરકારે આયાત બંધ કરી દીધી હતી.

નોંધનીય છે કે અમેરિકા તરફથી વાયદો કરવામાં આવ્યો હતો કે ઇરાન તરફથી તેલ આવવાનું બંધ થયા બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. જો કે હવે ભારત સરકાર તરફથી ઇરાન પાસેથી તેલ આયાત પર વિચાર કરી રહી છે.

(સંકેત)