Site icon Revoi.in

પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરવાનો નિર્ધાર

Social Share

અમદાવાદ: પહેલી જુલાઈ, 2021, ગુરુવારના રોજ ગુજરાતી અખબારી પત્રકારત્વ 200મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે.

આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા  સવારે 10 થી 11.15 સુધી એક વેબીનારનું આયોજન કરાયું છે. આ વેબિનારનું જીવંત પ્રસારણ સમિતિના ફેસબુક પેજ “200 year of gujarati journalism” પર કરાશે. ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ આયોજિત વેબિનારમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો શુભેચ્છા વીડિયો રજૂ કરાશે. આ ઉપરાંત  સમિતિના લોગોનું લોકાર્પણ કરાશે. આ લોગોનું સર્જન જાણીતા ચિત્રકાર કનુ પટેલે કર્યું છે. આ અવસરે  સમિતિના અધ્યક્ષ કુંદન વ્યાસ પ્રાસંગિક હૃદયભાવ રજૂ કરશે તો સમિતિના સંયોજક અને જાણીતા લેખક-પત્રકાર રમેશ તન્ના ” મુંબઈ સમાચારઃ ફરદુનજી મરઝબાનની પરાક્રમી પહેલ ” એ વિષય પર ટૂંકું વ્યાખ્યાન આપશે. આ અવસરે મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે સહિત સમિતિના સભ્યો પ્રાસંગિક પ્રતિસાદ આપશે.

મુંબઈ સમાચાર સતત 199 વર્ષથી ચાલી રહ્યું છે અને 200મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એક વખત શરૃ થયા પછી અવિરત ચાલુ હોય તેવું તે માત્ર ભારતનું જ નહીં, સમગ્ર એશિયા ખંડનું પહેલા નંબરનું અખબાર છે. આ એક મોટી સિદ્ધિ અને વિક્રમ છે. તેને ધ્યાનમાં રાખીને મુંબઈ સમાચારના પ્રાગટ્ય દિવસ, પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવા જાહેર અપીલ કરાશે. સમિતિ પોતે એ દિવસને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે મનાવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોટાભાગની તમામ ભારતીય ભાષાઓમાં પોતીકા પત્રકારત્વ દિવસ ઉજવાય છે જ્યારે આટલી જૂની, સમૃદ્ધ અને સુંદર એવી ગુજરાતી ભાષાનો પોતીકો પત્રકારત્વ દિવસ નથી, આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ દર વર્ષે ઉપરોક્ત દિને ઉજવાય તેવા પ્રયાસો હાથ ધરાશે. સમિતિ ભારત સરકારને મુંબઈ સમાચારની ટપાલ ટિકિટ બહાર પાડવા ભલામણ કરશે.

 

આ વેબિનારમાં સમિતિના તમામ સભ્યો ઉપરાંત ગુજરાતની પત્રકારત્વની વિવિધ સંસ્થાઓના વડા-પ્રોફેસર-અધ્યાપકો, પત્રકારો-લેખકો પણ જોડાશે. આ વેબિનારનું જીવંત પ્રસારણ સમિતિના ફેસબુક પેજ “200 year of gujarati journalism” પર કરાશે.

ગુજરાતી અખબારી પત્રકારત્વ 200મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરવા માટે જન્મભૂમિ જૂથના તંત્રી કુંદન વ્યાસના પ્રમુખપદે અને રમેશ તન્નાના સંયોજકપદે એક ઉજવણી પરામર્શન સમિતિ રચાઈ છે. આ સમિતિમાં 1. નિલેશ દવે (મુંબઈ સમાચાર), 2. ભવેન કચ્છી (ગુજરાત સમાચાર), 3. દેવેન્દ્ર પટેલ (સંદેશ),  4. મનીષ મહેતા (દિવ્ય ભાસ્કર), 5. દીપક માંકડ (કચ્છ મિત્ર), 6. કૌશિક મહેતા (ફૂલછાબ), 7. જશવંત રાવલ (નયા પડકાર), 8. બકુલ ટેલર (ગુજરાત મિત્ર), 9. ભિખેશ ભટ્ટ (વરિષ્ઠ સંપાદક અને તંત્રી),  10. અજય ઉમટ (નવગુજરાત સમય), 11. અનિલ દેવપુરકર (લોકસત્તા-જનસત્તા), 12. હિરેન મહેતા (ચિત્રલેખા), 13. તરૃણ દત્તાણી (અભિયાન), 14. પુલક ત્રિવેદી (સચિવ-ગુજરાત પ્રેસ અકાદમી),  15 ડૉ. શિરીષ કાશિકર (નિયામક, NIMCJ અમદાવાદ), 16. કુમારપાળ દેસાઈ (વરિષ્ઠ કટારલેખક, તંત્રી, બુદ્ધિપ્રકાશ), 17. પ્રવીણ ક. લહેરી (વરિષ્ઠ કટારલેખક),  18. કીર્તિ ખત્રી (વરિષ્ઠ કટારલેખક),  19. જયંતિ દવે (વરિષ્ઠ કટારલેખક), 20. નગેન્દ્ર વિજય (વરિષ્ઠ તંત્રી-કટારલેખક),  21.સી.બી.પટેલ (લંડન, ગુજરાત સમાચાર),  22. હેમરાજભાઈ શાહ (વરિષ્ઠ કટારલેખક),  23. કિરીટ ખમાર (મહાગુજરાત),  24. નિમિષ ગણાત્રા (અકિલા), 25. અઝીઝ ટંકારવી (ગુજરાત ટુડે),  26. બીનાબહેન કાઝી (ગુજરાત મિત્ર-સુરત),  27. વર્ષાબહેન અડાલજા (વરિષ્ઠ લેખિકા), 28. તરુબહેન કજારિયા (વરિષ્ઠ લેખિકા), 29. મીરાં ત્રિવેદી (દિવ્ય ભાસ્કર), 30. ઝવેરીલાલ મહેતા (તસવીરકાર), 31. ભાટી.એન (તસવીરકાર), 32. અંબુભાઈ પટેલ (સંવાદદાતા), 33. દિલીપ દવે (ચિત્રકાર-કાર્ટુનિસ્ટ-ડિઝાઈનર)નો સમાવેશ થાય છે.

આ સમિતિ 30મી જૂન, 2022 સુધી કાર્યરત રહેશે અને પત્રકારત્વલક્ષી વિવિધ કાર્યક્રમો કરીને દ્વિશતાબ્દિ મહોત્સવની ઉજવણી કરશે.