Site icon Revoi.in

સુપ્રીમકોર્ટની ફટકાર બાદ સેનાનો નિર્ણય, 11 મહિલા અધિકારીને આપશે કાયમી કમિશન

Social Share

નવી દિલ્હી: સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને સેનામાં મહિલાઓને હજુ સુધી કાયમી કમિશન નહોતું આપ્યું. આજે ફરીથી સુપ્રીમ કોર્ટે સેનાની ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, તમે કોર્ટની અવમાનના કરી છે, છતાં તમને તક આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળવું જોઇએ.

જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કેટલીક મહિલાઓને કોઇને કોઇ કારણોસર કાયમી કમિશનમાં સ્થાન આપવાથી વંચિત રાખવામાં આવી હતી. આવી 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી હતી. આ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા સેનાની ફરીથી ઝાટકણી કાઢી હતી.

સેના દ્વારા દલીલ કરાઇ હતી કે હાલમાં, 72માંથી 14 મહિલાઓ તબીબી રીતે અનફિટ હોવાનું સામે આવ્યું હતું. સેનાના વકીલ અનુસાર અમે 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા માટે તૈયાર છીએ જેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

અરજદારના વકીલો તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે પણ મહિલા 60 ટકાના માપદંડને પૂર્ણ કરે છે તેને કાયમી કમિશન મળવું જોઈએ.

અગાઉ સુપ્રીમ કોર્ટે ભારતીય સેનાને તમામ મહિલા શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસરોને કાયમી કમિશન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, 29 ઑક્ટોબરના રોજ ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઇ જીત્યા બાદ સેનાની 39 મહિલા અધિકારીઓને આ મહિને 22 ઑક્ટોબરે કાયમી કમિશન મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે સેનાને 1 નવેમ્બર સુધીમાં તેમને કાયમી કમિશન આપવા જણાવ્યું હતું.