Site icon Revoi.in

દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે જાહેર, આટલા તબક્કામાં થઇ શકે ચૂંટણી

Social Share

નવી દિલ્હી: આ વર્ષે પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે તેની તૈયારીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ વચ્ચે, ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચ ગુરુવારે અથવા આગામી કેટલાક દિવસોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણીની તારીખોને લઇને ચૂંટણી પંચે તમામ ચૂંટણી રાજ્યોની સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન તારીખ નક્કી કરી લેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જો મીડિયા અહેવાલનું માનીએ તો ચૂંટણી પંચ ગુરુવારે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

ચૂંટણીના તબક્કા વિશે વાત કરીએ તો પંજાબમાં 3 તબક્કામાં, ઉત્તરપ્રદેશમાં 8 તબક્કામાં, મણિપુરમાં બે તબક્કામાં તેમજ ગોવા અને ઉત્તરાખંડમાં અનુક્રમે 1-1 તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત થઇ શકે છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની તારીખોની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી અને માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પૂર્ણ થઇ શકે છે.

નોંધનીય છે કે, એક તરફ દેશમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરના ભણાકારા વાગી રહ્યા છે. દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.