સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર ઉત્પાદનનું વેક્સીન ઉત્પાદનનું દબાણ, ક્ષમતા વધારવા 3000 કરોડની આવશ્યકતા
- વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે
- સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર હાલમાં વેક્સીન ઉત્પાદનનું દબાણ
નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનેશનને પણ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે રસી નિર્માતા ભારતીય કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટને બ્રિટિશ અને સ્વિડિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ ફટકારવા પાછળનું કારણ વેક્સીન સપ્લાયમાં થઇ રહેલો વિલંબ છે.
બીજી તરફ સિરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેનેકાની રસી કોવીશિલ્ડના ડોઝનું ઉત્પાદન બમણું કરવા માટે ભારત પાસે ગ્રાંટ સ્વરૂપે 3000 કરોડ રૂપિયાની મદદ માંગી છે. એસ્ટ્રાજેનેકાની રસીને ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવિશીલ્ડના નામથી વેચવામાં આવે છે.
સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, ભારતમાં વધી રહેલી માંગણીના કારણે અમારી ઉત્પાદન ક્ષમતા પર ભારે દબાણ છે. વેક્સીનના પ્રોડક્શનને વધારવા માટે અમારે 3000 કરોડ રુપિયાની જરુર પડે તેમ છે.
ભારતના બજારમાં અમે 150થી 160 રુપિયામાં વેક્સીન પૂરી પાડી રહ્યાં છે. જ્યારે તેની સરેરાશ કિંમત 1500 રુપિયા છે. મોદી સરકારના અનુરોધ પર અમે સસ્તા ભાવે રસી પૂરી પડી રહ્યા છે. એવુ નથી કે અમને નફો નથી મળી રહ્યો પણ નફાનુ પ્રમાણ વધારવાની જરુર છે. જેથી આ રકમનુ રસી ઉત્પાદન માટે રોકાણ કરી શકાય.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણ હજાર કરોડ રૂપિયા નાની રકમ નથી. અમે પહેલા જ હજારો કરોડ રોકી ચૂક્યા છે. હવે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવા વિકલ્પ પર ધ્યાન આપવાની હાલમાં આવશ્યકતા છે. જૂન મહિનાથી પ્રતિ માસ રસીના 11 કરોડ ડોઝ બનાવી શખશે તેવી આશા અમને છે.
(સંકેત)