રાષ્ટ્રીય આયુષ મિશનઃ 10 મહિનામાં 6.91 કરોડ લોકોએ આયુષ આરોગ્ય-સુખાકારી કેન્દ્રોનો લાભ લીધો
આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની દૂરંદેશી અને ઉદ્દેશ્યોના અમલીકરણની ફરીથી પુષ્ટિ કરીને વર્ષ 2023માં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ વર્ષ ભારતીય પરંપરાગત દવા સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિનું સાક્ષી રહ્યું છે. આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિના નવા સ્તરે આગળ વધ્યું છે અને સફળતાનાં ઘણા કાયમી પદચિહ્નો છોડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ સમર્થન અને દિશાસૂચને આયુષના પ્રયાસોને આરોગ્ય સંભાળ ક્ષેત્રની માળખાગત સુવિધાઓ વિકાસ, સંશોધન સહયોગ, નિકાસ પ્રોત્સાહનના વ્યવસ્થાતંત્ર, શૈક્ષણિક સુધારા, ભારતીય પરંપરાગત દવા પ્રણાલીના વૈશ્વિક વિસ્તરણ અને વધુ ક્ષેત્રોમાં સારી રીતે રૂપાંતરિત કર્યા છે.
આયુષ મંત્રાલય દ્વારા પ્રથમ “ચિંતન શિબિર”નું આયોજન
આયુષ મંત્રી દ્વારા આસામમાં આવેલા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આયુષ મંત્રાલયની પ્રથમ “ચિંતન શિબિર” (27 – 28 ફેબ્રુઆરી 2023ના રોજ) યોજવામાં આવી હતી અને તેમાં આયુષ બિરાદરો, મંત્રાલયના અધિકારીઓ, નિષ્ણાતો અને આયુષ ક્ષેત્રના અન્ય હિતધારકોની ખૂબ જ સારી હાજરી જોવા મળી હતી, જેમાં આયુષમાં ડિજિટલ આરોગ્ય અને ટેકનોલોજી, ભવિષ્યની પહેલ, વ્યૂહરચના, પડકારો અને ભાવિ માર્ગ, આયુષ શિક્ષણ, ક્ષમતા નિર્માણ, રોજગાર નિર્માણ અને NEP જેવા મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આયુષ સમક્ષ રહેલા વર્તમાન પડકારો અને ભાવિ માર્ગ, દવા ઉદ્યોગ, સેવાઓ અને આયુષ ઉત્પાદનોના માનકીકરણ, જાહેર આરોગ્યમાં આયુષ, પડકારો, ભાવિનો માર્ગ વગેરે પર વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદાન કરવા લાયક ચીજો-બાબતો અને ભવિષ્યની રૂપરેખા સાથેના અહેવાલોની પ્રસ્તૂતિ સાથે ચિંતન શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં યોજાયેલી બે દિવસીય ચર્ચામાં આયુષ ક્ષેત્ર માટે કાર્યક્ષમ મુદ્દાઓનો ભાવિ માર્ગ પૂરો પાડવામાં આવ્યો હતો અને સાથે સાથે સ્પષ્ટપણે ભાવિ વ્યૂહરચના, વધુ સંશોધન માટે સહયોગ અને આયુષ માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું હતું.
G20: નવી દિલ્હીમાં નેતાઓના શિખર સંમેલનના ઘોષણાપત્રમાં પરંપરાગત દવાઓનો સમાવેશ
ભારતની G20ની અધ્યક્ષતા 2023 દરમિયાન, આયુષ મંત્રાલયે સમગ્ર સરકારનો અભિગમ અપનાવીને, વિવિધ G20 જૂથ મંચો પર સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેના કારણે G20 દેશોમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ માટે SDG 3માં કલ્પના કરવામાં આવેલી સર્વાંગી આરોગ્ય સંભાળમાં વૈજ્ઞાનિક, પુરાવા આધારિત પરંપરાગત દવા પ્રણાલીઓની સ્વીકૃતિ અને સંભવિતતા માટે માર્ગ મોકળો થયો છે. 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાયેલા નેતાઓના શિખર સંમેલનમાં G-20 દેશો દ્વારા અપનાવવામાં આવેલા “દિલ્હી ઘોષણાપત્ર”માં પરંપરાગત દવાને સામેલ કરવાના આયુષ મંત્રાલયના પ્રયાસો સાકાર થયા છે. હાલમાં ઉભરી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર વિશ્વમાં સર્વગ્રાહી અને પુરાવા આધારિત પરંપરાગત દવાઓની પદ્ધતિઓ દ્વારા પરંપરાગત દવાની સંભવિતતાને આ ઘોષણાપત્રમાં સ્વીકૃતિ આપવામાં આવી છે. G20ની અધ્યક્ષતા માટે, ભારતે “વસુધૈવ કુટુંબકમ” વિષય સૂત્ર અપવનાવ્યું હતું અને આ પ્રકારે તેમાં જણાવેલી “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ની ભાવના મુજબ આરોગ્ય પ્રત્યે સર્વગ્રાહી અભિગમ પર ભાર મૂક્યો હતો.
પ્રથમ SCO પરિષદ અને પ્રદર્શનમાં રૂ. 590 કરોડની વેપાર રુચિ જોવા મળી
આસામના ગુવાહાટીમાં યોજવામાં આવેલી પરંપરાગત દવા પરની પ્રથમ શાંઘાઇ સહકાર સંગઠન (SCO) પરિષદ અને પ્રદર્શન (2 -5 માર્ચ 2023) દરમિયાન 590 કરોડ રૂપિયાથી વધુની વેપાર રુચિ વૃદ્ધિ જોવા મળી હતી. આયુષ મંત્રાલયના નેજા હેઠળ, ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આયુષેક્સિલ (આયુષ નિકાસ પ્રોત્સાહન પરિષદ)ના સમર્થન સાથે આ કાર્યક્રમમાં B2B બેઠકો યોજવામાં આવી હતી. 19 દેશોના 56 થી વધુ પ્રદર્શકો અને ખરીદદારોએ પરંપરાગત દવાઓના વેપાર અંગે ચર્ચા કરી હતી અને તેમનો રસ દાખવ્યો હતો. આ પરિષદ દરમિયાન ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે 50 થી વધુ આમને-સામને બેઠકો હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન 75 થી વધુ બેઠકો યોજવામાં આવી હતી, જેમાં ભારત, તાજિકિસ્તાન, આર્મેનિયા, ઉઝબેકિસ્તાન, મોંગોલિયા, કઝાખસ્તાન, બહેરીન અને શ્રીલંકાના સહભાગીઓ સામેલ થયા હતા. દમૈરા ફાર્મા, AIMIL ગ્લોબલ, હર્બલ સ્ટ્રેટેજી હોમકેર, અલ્માટી, દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ, ફિડાલ્ગો હેલ્થકેર અને ઘણી બધી કંપનીઓ પાસેથી B2B બેઠકોમાં રૂપિયા 590 કરોડની વેપાર રૂચિ પ્રાપ્ત થઇ હતી. પ્રદર્શન દરમિયાન 19 દેશોના પ્રતિનિધિઓએ ખરીદદારો અને વેચાણકર્તાઓ તરીકે પ્રદર્શકો સાથે બહુવિધ બેઠકો કરી હતી જેમાં ભારત, તાજિકિસ્તાન, આર્મેનિયા, ઉઝબેકિસ્તાન, મોંગોલિયા, કઝાખસ્તાન, બહેરીન અને શ્રીલંકા જેવા સહભાગી દેશોના બહુવિધ ઉત્પાદનોમાં તેમના દ્વારા રસ દાખવવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: અભૂતપૂર્વ જનસંપર્ક, બે ગિનિસ વિશ્વ વિક્રમ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો
21 જૂન 2023ના રોજ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની 9મી આવૃત્તિની સફળતાપૂર્વક ખૂબ જ મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી અને આ દિવસ નવી પહેલનો સાક્ષી બન્યો હતો. મધ્યપ્રદેશના જબલપુર ખાતેના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 15,000 થી વધુ લોકોની ઉત્સાહપૂર્ણ સહભાગીતા જોવા મળી હતી અને તેમણે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરની હાજરીમાં સામાન્ય યોગ પ્રોટોકોલ (CYP) પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા રાષ્ટ્રને સંબોધન આપ્યું હતું અને કહ્યું હતું કે, “ભારતની સંસ્કૃતિ અને સામાજિક માળખું, તેની આધ્યાત્મિકતા અને આદર્શો અને તેના દર્શન અને દૂરંદેશીએ હંમેશા એવી પરંપરાઓનું જતન કર્યું છે જે એક જૂથ કરે છે, અપનાવે છે અને આત્મસાત કરે છે.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રવાસ દરમિયાન IDY 2023 નિમિત્તે ન્યૂયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજવામાં આવેલા સામાન્ય યોગ પ્રોટોકોલ સત્રમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 135 કરતાં વધુ દેશોની રાષ્ટ્રીયતા ધરાવતા હજારો યોગ ઉત્સાહીઓની સહભાગીતા સાથે તેમનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેના કારણે એક જ યોગ સત્રમાં સૌથી વધુ સંખ્યામાં અલગ અલગ રાષ્ટ્રીયતા ધરાવતા લોકોની સહભાગીતાનો ગિનિસ વિશ્વ વિક્રમ સ્થાપિત થયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસનો એક વીડિયો સંદેશ પણ આ પ્રસંગે બતાવવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ના રોજ જ્યારે ભારતના ગુજરાતમાં આવેલા સુરત ખાતે એ એક જગ્યાએ યોગ સત્ર માટે સૌથી વધુ લોકો એકઠા થવાથી ગિનિસ વિશ્વ વિક્રમ બન્યો ત્યારે IDYની સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો હતો. આ કાર્યક્રમમાં એક લાખ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો.
9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષતા એ યોગની મહાસાગર રીંગની રચના કરવાની અનોખી વિભાવના હતી, જેની પરિકલ્પના એક સમન્વયિત યોગ નિદર્શન તરીકે કરવામાં આવી હતી. આમાં દુનિયાભરના વિવિધ બંદરો પર લંગારવામાં આવેલા ભારતીય નૌકાદળના જહાજો અને જે દેશો સાથે ભારતનો દરિયાઇ સહયોગ છે અને વેપારી શિપિંગ કરાર થયેલો છે તેમણે CYP પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
ભારતીય નૌકાદળના 19 જહાજો પર સવાર નૌકાદળના લગભગ 3500 કર્મચારીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને જળ ક્ષેત્રમાં યોગના રાજદૂત તરીકે 35,000 કિલોમીટરથી વધુની મુસાફરી કરી હતી. આમાં વિદેશી બંદરો/આંતરરાષ્ટ્રીય જળ સીમા પર ભારતીય નૌકાદળના 11 જહાજો પર 2400 થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આપણા વિદેશી મિશન સાથે અનેક વિદેશી નૌકાદળના જહાજોના ઓનબોર્ડ જહાજો પર સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદેશી નૌકાદળના 1200થી વધુ કર્મચારીએ ભાગ લીધો હતો.
આર્કટિકથી એન્ટાર્કટિકા સુધી યોગ એ આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અન્ય એક પાસું હતું જ્યાં પ્રાઇમ મેરિડીયન લાઇનમાં અને તેની આસપાસના દેશોમાં તેમજ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાં યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલયે ગ્રામીણ સમુદાયો સાથે જોડાવા માટે “હર આંગન યોગ” નામનો એક સંદેશો ખૂબ જ વ્યાપક રીતે ફેલાવવા માટેનું આયોજન કર્યું હતું. પંચાયતો, આંગણવાડી, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તેમજ શાળાઓ, લગભગ 2 લાખ સામાન્ય સેવા કેન્દ્રો, આયુષ ગ્રામ એકમ અને અમૃત સરોવરના સ્થળો પર યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ઘોષણાઃ પ્રથમ એવાં પરંપરાગત ઔષધિ વૈશ્વિક શિખર સંમેલન દરમિયાન વધુ એક સીમાચિહ્ન હાંસલ થયું
પરંપરાગત ઔષધિઓ પર સૌપ્રથમ વૈશ્વિક શિખર સંમેલન (17-18 ઑગસ્ટ 2023)નું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અને આયુષ મંત્રાલય દ્વારા સહ-આયોજન ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. વૈશ્વિક શિખર સંમેલનનાં મુખ્ય પરિણામો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગુજરાત ઘોષણાપત્રનાં રૂપમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. આ શિખર સંમેલનમાં, ડબ્લ્યૂએચઓએ પરંપરાગત દવા પર વૈશ્વિક સર્વેક્ષણનાં પ્રારંભિક તારણો પણ શેર કર્યાં હતાં જે સૂચવે છે કે પરંપરાગત દવાઓની પહોંચ વિશ્વભરમાં વધી રહી છે. “ગુજરાત ઘોષણા”એ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત ઔષધિઓનાં મહત્વને સાર્વત્રિક આરોગ્ય કવરેજની પ્રાપ્તિ માટે ઓળખવામાં આવે છે અને સભ્ય દેશોને પુરાવા નિર્માણ અને નીતિ સમર્થન દ્વારા તે તરફ કામ કરવાની ડબ્લ્યૂએચઓની પ્રતિબદ્ધતા છે. આ કાર્યક્રમમાં જી-20 આરોગ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે “પરંપરાગત દવા પર જી-20 દેશોના આરોગ્ય મંત્રીઓનું સંમેલન” પણ યોજાયું હતું, જેમાં જી-20 દેશોએ પોતપોતાના દેશોમાં પરંપરાગત દવાઓની ભૂમિકા અને સંભાવનાઓ વિશે વાત કરી હતી.
સંશોધન અભ્યાસઃ પ્રધાનમંત્રી દ્વારા ‘મન કી બાત’માં ‘આયુષ ક્ષેત્રો’નો ઉલ્લેખ તેના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે
આયુષ મંત્રાલય હેઠળ કામ કરતી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (સી.સી.આર.એ.એસ.)એ એપ્રિલ 2023માં તેનું 7મું સંશોધન જર્નલ બહાર પાડ્યું હતું. આ સંશોધન અભ્યાસમાં વિવિધ આયુષ ક્ષેત્રો પર “મન કી બાત”ની અસરને સ્પષ્ટપણે દર્શાવવામાં આવી હતી અને દર્શાવવામાં આવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષનો ઉલ્લેખ કરવાથી આયુષ ક્ષેત્રોને નોંધપાત્ર અસર થઈ છે. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમના પ્રભાવ અંગેના અભ્યાસ પર જર્નલમાં પ્રકાશિત થયેલા તેમના સંશોધન પત્રમાં જણાવ્યું હતું કે ‘મન કી બાત’ના 100 ઍપિસોડમાંથી પ્રધાનમંત્રીએ 37 ઍપિસોડમાં ‘આયુષ’નો ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, યોગનો અભ્યાસ કરવા અને પુરાવા આધારિત આયુર્વેદ અપનાવવા અને તેમની જીવનશૈલીમાં આયુર્વેદ જીવનશૈલીને સામેલ કરવા વિનંતી કરી છે. આયુષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસોનાં પરિણામે, પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના ફાયદાઓ વિશે જાગૃતિમાં વધારો થયો છે.
100 થી વધુ દેશોએ આયુર્વેદ દિવસની ઉજવણી કરતા આયુર્વેદે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી
10 નવેમ્બર, 2023ના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી એ વિશ્વભરમાં આયુર્વેદના સતત ફેલાતા અને અસરકારક પહોંચનો પુરાવો છે કારણ કે 100થી વધુ દેશોએ કોઈ ને કોઈ સ્વરૂપમાં આયુર્વેદ દિવસની ઉજવણી કરી હતી. હરિયાણાના પંચકુલામાં આયોજિત મુખ્ય કાર્યક્રમની સાથે આખા ભારતમાં આયોજિત કાર્યક્રમોમાં ભારે ભાગીદારી જોવા મળી હતી અને લોકોમાં ઘણો ઉત્સાહ પેદા થયો હતો.
આ પ્રસંગે આયુષ મંત્રાલયે આયુષ ક્ષેત્રની સેવા વિતરણને મજબૂત કરવા માટે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ખાસ કરીને આયુર્વેદ દિવસ અભિયાન માટે શરૂ કરાયેલ માઇક્રો સાઇટમાં નોંધાયેલ ડેટા દર્શાવે છે કે સમગ્ર વિશ્વના લગભગ 20 કરોડ લોકોએ કુલ 20 હજાર પ્રવૃત્તિઓમાં મહિનાભરનાં અભિયાનમાં સહકાર આપ્યો હતો. લગભગ 17 લાખ લોકોએ ભાગ લીધો હતો; માઇક્રો સાઇટ 102 દેશોમાં પહોંચી હતી અને 424 સ્થળોએ “રન ફોર આયુર્વેદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનોના સમાચાર લગભગ 80 દેશોના પ્રાદેશિક અને રાષ્ટ્રીય માધ્યમોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. દેશભરનાં 11 શહેરોમાં બાઇકર્સ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો, ખાસ કરીને દિવ્યાંગો વગેરે સહિત જીવનનાં તમામ ક્ષેત્રોના લોકોએ ભાગ લીધો હતો.
આયુર્વેદ દિવસનાં વૈશ્વિક અભિયાન ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ના સંદેશ અને જી-20 બેઠકની વૈશ્વિક થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’એ સમગ્ર વિશ્વ પર અમિટ છાપ છોડી છે. આઈ.આઈ.ટી., એઇમ્સ અને સી.એસ.આઈ.આર. જેવી સંસ્થાઓએ આયુર્વેદિક દવાઓના પરમાણુ ગુણધર્મોને સમજવા માટે આયુષ સાથે હાથ મિલાવ્યા છે. ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની મદદથી, દેશભરમાં હાજર ઔષધીય વનસ્પતિઓનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે આયુષ મંત્રાલયનો પ્રોજેક્ટ સહયોગ કરાર
આયુષ મંત્રાલયે શ્રી ઇન્દ્ર મણિ પાંડે (યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ), ડૉ. બ્રુસ એલવર્ડ (ડબ્લ્યૂએચઓના યુનિવર્સલ હેલ્થ કવરેજ અને લાઇફ કોર્સ ડિવિઝનના સહાયક મહાનિદેશક), ડૉ. રુડી એગર્સ, ડૉ. કિમ સુંગચોલની હાજરીમાં પરંપરાગત અને પૂરક દવાઓનાં ક્ષેત્રમાં ડબ્લ્યૂએચઓ સાથે પ્રોજેક્ટ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ અગ્રણી જોડાણનો ઉદ્દેશ વૈશ્વિક વ્યૂહરચનાની રચનાને આગળ વધારવાનો છે, જે વિશ્વભરમાં પરંપરાગત અને પૂરક દવાઓનાં ધોરણો, ગુણવત્તા, સલામતી અને અસરકારકતાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગામી 5 વર્ષોમાં, ડબ્લ્યૂએચઓ અને આયુષ એક મજબૂત માળખું બનાવવાની ઇચ્છા ધરાવે છે જે માત્ર પરંપરાગત દવાઓના સમૃદ્ધ વારસાને જ જાળવી રાખતું નથી, પરંતુ તેને આધુનિક, પુરાવા આધારિત અને વૈશ્વિક સ્તરે સ્વીકૃત આરોગ્યસંભાળનાં સ્વરૂપમાં આગળ ધપાવે છે, જે આરોગ્યનાં પરિણામોને આગળ વધારવાનું વચન ધરાવે છે.
આયુષ વિઝા શરૂઃ તબીબી મૂલ્યની મુસાફરીને પ્રોત્સાહન
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જી.એ.આઈ.આઈ.એસ. 2022માં જાહેર કરાયેલી જાહેરાત મુજબ, ગૃહ મંત્રાલયે આયુષ પ્રણાલી/ભારતીય દવા પ્રણાલી હેઠળ સારવાર માટે વિદેશી નાગરિકો માટે આયુષ વિઝા (શ્રેણી એ.વાય.)ને સૂચિત કર્યું છે. આયુષ વિઝાની શરૂઆત ઉપચારાત્મક સંભાળ, સુખાકારી, યોગ વગેરે જેવી દવાઓની ભારતીય પ્રણાલી હેઠળ સારવાર મેળવવા માટે ભારતની મુલાકાત લેનારા વિદેશીઓ માટે એક વિશેષ વિઝા યોજના રજૂ કરે છે. આયુષ વિઝા તબીબી મૂલ્યની મુસાફરીને પ્રોત્સાહન આપશે અને તેનો હેતુ ભારતને તબીબી મૂલ્યની મુસાફરીનાં સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનો છે. આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતને વિશ્વનાં તબીબી પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે વન-સ્ટોપ ‘હીલ ઇન ઇન્ડિયા’ પોર્ટલ વિકસાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે.
રાષ્ટ્રીય આયુષ મિશનઃ આખું વર્ષ ચાલતી પ્રવૃત્તિઓમાં આયુષ દ્વારા એ.એચ.ડબ્લ્યૂ.સી.નાં માધ્યમથી 6.91 કરોડ આરોગ્ય સાધકોને લાભ થયો
રાષ્ટ્રીય આયુષ મિશનના મુખ્ય કાર્યક્રમની આયુષ આરોગ્ય સંભાળ સેવાઓની દ્રષ્ટિએ દૂરગામી અસર જોવા મળી હતી અને વર્ષ 2023ના પ્રથમ 10 મહિનામાં 6.91 કરોડ લોકોને આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લાભ મળ્યો હતો. સેવાઓને વધુ મજબૂત કરવા માટે, આયુષ મંત્રાલયે સમગ્ર ભારતમાં છ ઝોનમાં પ્રાદેશિક સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું હતું. ભારત સરકારે એનએએમ બજેટમાં 50 ટકાનો વધારો કરીને મિશનમાં વધુ વધારો કર્યો હતો.
પૂર્વોત્તરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવુંઃ
આયુષ મંત્રાલયે તેની વિવિધ યોજનાઓ, માળખાગત વિકાસ અને વિવિધ શિખર પરિષદો, આયુષ પર્વ અને પ્રદર્શન વગેરે દ્વારા ઉત્તર-પૂર્વ પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસની ગતિને વેગ આપવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્ષ 2023માં આ પ્રદેશમાં આયુષ માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.
• 819 આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું નિર્માણ અથવા મંજૂરી આપવામાં આવી છે.
• 100થી વધુ આયુષ ફાર્મસીઓનાં નિર્માણને મંજૂરી આપવામાં આવી છે
• 50થી વધુ આયુષ હૉસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે
• શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી
આયુષ મંત્રાલયે આસામના ગુવાહાટીમાં 2 થી 5 માર્ચ 2023 દરમિયાન પરંપરાગત દવા પર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) હેઠળ B2B પરિષદનું પણ આયોજન કર્યું હતું. મુખ્ય કાર્યક્રમની સાથે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવાનો માર્ગ મોકળો કર્યો હતો.
યુનાની દિવસની ઉજવણી
11 ફેબ્રુઆરી 2023ના રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં યુનાની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં સી.સી.આર.યુ.એમ. દ્વારા ‘યુનાની દવામાં સામાન્ય ઉપાયો’ પર વિકસાવવામાં આવેલી મોબાઇલ એપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ યુનાની દિવસની ઉજવણી માટે યુનાની દવા પર આંતરરાષ્ટ્રીય પરિષદનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન (સી.સી.આર.યુ.એમ.) ઓનલાઇન જર્નલનાં વિવિધ પ્રકાશનો પર આંતરરાષ્ટ્રીય પરિષદની સ્મૃતિચિહ્નનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હોમિયોપેથી દિવસ
10 એપ્રિલ, 2023ના રોજ આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવા માટે એક દિવસીય વૈજ્ઞાનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની થીમ “હોમ્યો પરિવાર-સર્વજન સ્વાસ્થ્ય, એક સ્વાસ્થ્ય, એક પરિવાર” હતી. આ સંમેલનનો ઉદ્દેશ સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પુરાવા આધારિત હોમિયોપેથિક સારવારને પ્રોત્સાહન આપવાનો, હોમિયોપેથિક પ્રેક્ટિશનરોની ક્ષમતા નિર્માણને હોમિયોપેથીને સારવારની પ્રથમ શ્રેણી તરીકે પ્રદાન કરવાનો અને ઘરોમાં પસંદગીની સારવાર તરીકે હોમિયોપેથીને પ્રોત્સાહન આપવાનો હતો.