Site icon Revoi.in

ફાસ્ટેગને લોકપ્રિય બનાવવા સરકાર હવે તેમાં વધુ સુવિધાઓ ઉમેરશે

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે જ્યારે ફાસ્ટેગ વાહનચાલકો માટે ફરજીયાત થઇ ચૂક્યું છે ત્યારે હવે ફાસ્ટેગનો ઉપયોગ ફક્ત ટોલ પ્લાઝા પર ડિજીટલ પેમેન્ટ માટે નહીં પરંતુ પેટ્રોલ ડીઝલ ભરાવવાથી લઇને પાર્કંગમાં પણ કરાશે.

ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર ફાસ્ટેગને વધારે લોકપ્રિય બનાવવા માટે તેમાં નવી સુવિધાઓ જોડી રહ્યું છે. હવે ફાસ્ટેગની મદદથી તમે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી પણ ભરાવી શકશો અને સાથે પાર્કિંગમાં પણ તેનો ઉપયોગ કરી શકશો.

હાલમાં કેન્દ્ર સરકાર ફાસ્ટેગને મલ્ટીપર્પઝ સર્વિસમાં ઉપયોગ કરવાની દિશામાં કામ કરી રહી છે. દરેક ટેકનિકલ મુશ્કેલીઓને ઉકેલ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. એક માહિતી અનુસાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું કે ગત વર્ષે કોરોના કાળમાં ટોલ ટેક્સમાં બે ગજની દૂરી બનાવી રાખવા તેમજ કોન્ટેક્ટ લેસ ફાસ્ટેગ સફળ રહ્યું છે.

ફાસ્ટેગને પાર્કિંગ પેમેન્ટના રૂપમાં ઉપયોગમાં લેવા માટે હૈદરાબાદ તેમજ બેંગ્લુરુમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેની સફળતા બાદ આગામી ચરણમાં દિલ્હી એરપોર્ટ તેમજ કનોટ પ્લેસ પર ફાસ્ટેગની મદદથી પાર્કિંગની ફી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી.

સૂત્રોનુસાર આગામી સમયમાં ફાસ્ટેગની મદદથી ગાડીમાં પેટ્રોલ, ડીઝલ તેમજ સીએનજી ભરાવવાની સુવિધા પણ શરૂ કરાશે. તેમાં પણ સરકાર ફાસ્ટેગમાં રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશનની મદદ લેશે. હાલમાં ફક્ત તેનો ઉપયોગ ટોલ પેમેન્ટ માટે થઇ રહ્યો છે.

નોંધનીય છે કે દેશભરમાં 770 ટોલ પ્લાઝા છે તેમજ 80 ટકા ટોલ પર વાહનો રોકાયા વિના ફાસ્ટેગની મદદથી ટેક્સ ભરીને જઇ રહ્યા છે. અર્થાત્ ટોલ પ્લાઝા પર ગાડીઓનો વેટિંગ સમય શૂન્ય છે.

(સંકેત)