- પંજાબમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ
- પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે બીજેપી
- કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 37 બેઠકો પર ચૂંટણી લડશે
નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પંજાબને લઇને NDAના દૂરંદેશી અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે, પંજાબ સરહદી રાજ્ય હોવાને કારણે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે અને ત્યાં સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વનો છે.
પંજાબ અંગેના વિઝન અંગે વાત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોકો કોંગ્રેસ એનડીએ તરફથી 37 બેઠકો પર ચૂંટણી લડશે અને 15 બેઠકો સુખદેવ સિંહ ઢીંઢસાના શિરોમણી અકાલી દળ (યુનાઇટેડ)ને આપવામાં આવી છે. નડ્ડાએ કહ્યું કે, ભાજપ પંજાબની 65 બેઠકો પર ચૂંટણી લડશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ઉમેર્યું કે, પીએમ મોદીને પંજાબ પ્રત્યે વિશેષ લગાવ છે અને રાજ્યને આર્થિક રીતે સફળ બનાવવા પ્રયાસો કરવા પડશે, ત્યાં સ્થિર સરકારની આવશ્યકતા છે. પંજાબમાં દેશવિરોધી ષડયંત્રો થઇ રહ્યાં છે પરંતુ આ ચૂંટણી આગામી પેઢીઓને સુરક્ષિત રાખનાર સાબિત થશે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણી અને પંજાબ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પંજાબની સ્થાયી સરકાર અમારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, પંજાબના લોકોએ દેશ માટે ઘણું બલિદાન આપ્યું છે. ગુરુ ગોવિંદ સિંહ જીના બલિદાનને ભૂલી શકીએ નહી, ગુરુ તેગ બહાદુર જીના બલિદાનને ક્યારેય ભૂલી શકીએ નહી.