Site icon Revoi.in

રાફેલ ભ્રષ્ટાચાર મામલે ભાજપનો કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર, કહ્યું – રાફેલમાં કમિશનથી ભ્રષ્ટાચાર કર્યો હતો

Social Share

નવી દિલ્હી: રાફેલ ડીલ પર ફ્રેન્ચ મેગેઝીનના ખુલાસા બાદ રાજકારણમાં ફરીથી હડકંપ મચ્યો છે અને ફરીથી આરોપ-પ્રતિઆરોપ લાગી રહ્યા છે. આ વચ્ચે ભાજપે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પર આરોપ કરતા બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જે 2007 થી 2012 દરમિયાન થયું તે તમામ સત્ય હવે સામે આવ્યું છે. આજે અમે તમારી સામે કેટલાક મહત્વના દસ્તાવેજો મૂકવા જઇ રહ્યાં છીએ, જેથી કોના સમયગાળામાં ભ્રષ્ટાચાર થયો તે જણાવશે.

બીજેપી નેતાએ શાબ્દિક પ્રહારો કર્યા કે, આપણે બધાએ જોયું કે જે રીતે વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ 2019ની ચૂંટણી પહેલા રાફેલને લઇને અયોગ્ય વાતાવરણ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને લાગ્યું કે તેનાથી તેના રાજકીય હિતો પૂરા થશે.

તેઓએ ઉમેર્યું કે, રાફેલ એ ખૂબ મોટા કૌભાંડનું કાવતરું છે. આ સમગ્ર મામલે 2007 થી 2012ની વચ્ચે બન્યો હતો. આ દરમિયાન તેઓએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીજી, જવાબ આપો – તમને અને તમારી પાર્ટીએ આટલા વર્ષો સુધી રાફેલને લઇને ભ્રમ ફેલાવવાની કોશિશ કેમ કરી? આજે ઘટસ્ફોટ થયો છે કે તેમની સરકાર હેઠળની પાર્ટીએ 2007-2012 દરમિયાન રાફેલમાં કમિશનથી ભ્રષ્ટાચાર કર્યો હતો અને વચેટિયાની પણ સંડોવણી સામે આવી હતી.

આ બાદ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, જ્યારે સત્ય દરેક પગલા સાથે હોય તો ચિંતામુક્ત રહો. મારા કોંગ્રેસના સાથીઓ તમે ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આ જ રીતે લડતા રહો. થાકશો નહીં, અને ડરવાનું પણ નથી.

નોંધનીય છે કે, ફ્રાંસના ઑનલાઇન મેગેઝિનએ એક એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, ડસોલ્ટ એવિએશને આ સોદા માટે ભારતીય મધ્યસ્થ સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 65 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. જેથી કંપની ભારત સાથે 36 રાફેલ લડાકૂ વિમાનનો સોદો કરી શકે.