- યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને સીએમ યોગીનો આશાવાદ
- યુપીમાં ભાજપ 320 થી 350 બેઠકો જીતશે
- ખેડૂત આંદોલનની કોઇ અસર નહીં થાય
નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લોકસભાની સેમી ફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, યુપીમાં ભાજપ 320 થી 350 બેઠકો જીતશે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, વર્ષ 2022માં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડશે અને ગત વખતે મળેલી 312 બેઠકો કરતા વધારે બેઠકો મેળવશે. યુપીની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની કોઇ અસર જોવા નહીં મળે.
યોગીએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર આર્થિક વિકાસ અને કાયદો અને વ્યવસ્થાના મોરચે ઘણુ સારૂ કામ કરી રહી છે. મને ભરોસો છે કે, રાજ્યમાં અમારો જે પ્રકારનો કામ કરવાનો રેકોર્ડ રહ્યો છે તેના કારણે સરકાર વિરોધી લહેર કામ નહીં કરે. ભાજપ ફરી સત્તા મેળવશે તે વાતમાં મને કોઈ સંદેહ નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકારણને હું ખૂબ સારી રીતે સમજું છું. કારણ કે 23 વર્ષથી હું રાજકારણમાં છું. મતદારોની રાજકીય સમજ અને પરિપક્વતા પર મને સંપૂર્ણ ભરોસો છે. ખેડૂત આંદોલન વિપક્ષની ઉપજ છે અન તેનો પ્રભાવ એ રાજ્યોમાં વધારે છે જ્યાં વચેટિયાઓ કામ કરે છે. યુપીમાં સરકાર ખેતપેદાશો ખરીદવા માટે ખેડૂતો સાથે સીધા જ સંપર્કમાં છે.
તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે તેઓ ખેડૂત આંદોલનને ઉત્તેજન આપી રહ્યા છે. ખેડૂત આંદોલનની અસર યુપીમાં જોવા નહીં મળે