Site icon Revoi.in

ભ્રષ્ટાચાર મામલે અનિલ દેશમુખ વિરુદ્વ CBI તપાસના આદેશ

Social Share

મુંબઇ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. મુંબઇ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી થઇ હતી. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખૂબ ગંભીર છે. આ સાથે જ હાઇકોર્ટે CBIને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્વ ભ્રષ્ટાચારના આરોપોની 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવા જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મામલે સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને CBI તપાસ થવી જોઇએ. આવા કેસમાં જો લોકલ પોલીસ તપાસ કરશે તો જનતાનો વિશ્વાસ ઉઠી જશે. આ સાથે જ કોર્ટે સીબીઆઇને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરીને તેનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા.

અત્રે જણાવવાનું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલો પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલ કરીને તેમને પહોંચાડે.

(સંકેત)