- સિમેન્ટ-સ્ટીલના ભાવવધારા સામે બિલ્ડર-કોન્ટ્રાક્ટરોની નારાજગી
- ભાવ પર નિયંત્રણને લઇને દેશભરના બિલ્ડરનો આજે દેશવ્યાપી હડતાળ
- આજે 12 ફેબ્રુઆરીના રોજ વિવિધ સંગઠન કામથી અળગા રહેશે
અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા કાર્ટેલ રચીને કૃત્રિમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી સાઇડ ઇફેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર પડી રહી છે. ત્યારે સિમેન્ટ અને સ્ટીલના ભાવ પર સરકાર સીધું નિયંત્રણ મૂકી અથવા તો સિમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરે તેવી માંગણી સાથે દેશભરના બિલ્ડર તેમજ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનો નિર્ણય કર્યો છે. આજે 12 ફેબ્રુઆરીના રોજ વિવિધ સંગઠન કામથી અળગા રહેશે અને પોતાની માંગણીઓ અંતર્ગત સ્થાનિક કલેક્ટરને આવેદન પત્ર સોંપશે.
આજે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળને કારણે 20 હજાર કરતા વધુ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામકાડ ઠપ થઈ જશે અને 20 લાખથી વધુ શ્રમજીવીઓ કામકાજથી અળગા રહેશે. વિવિધ સંગઠનોના અગ્રણીઓએ સંયુક્ત મીટિંગમાં કહ્યું કે,સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા એક કાર્ટેલ રચીને કૃત્રિમ વધારો કરાયો છે. સ્ટીલમાં 40 ટકાથી વધુ અને સિમેન્ટમાં 25 ટકાથી વધુ ભાવ વધારો કર્યો છે. આ માટે સરકારે કાર્ટેલ તોડીને સિમેન્ટ અને સ્ટીલના ભાવ નિયંત્રણમાં લાવવા જરૂરી છે.
શું છે માંગણીઓ?
- કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરો માટે પરફોર્મેન્સ બેન્ક ગેરંટી 5થી 10 ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવે
- સ્ટીલ અને સિમેન્ટની કિંમતોમાં ઝીંકાતા ભાવ વધારા મુદ્દે સમગ્ર તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિના રચના કરવામાં આવે
- સિમેન્ટ અને સ્ટીલના ભાવોને કાયમી ધોરણ નિયંત્રણમાં રાખવા અને આ પ્રાકરના ગેરકાદે કાર્ટેલાઈઝેશન નાથવા માટે તાત્કાલિક ધોરણે એક વિશેષ રેગ્યુલેટરની રચના કરવામાં આવે
- કાર્ટેલાઈઝેશનનું ષડયંત્ર રચનારી સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થતો હોવાથી માળખાકીય વ્યવસ્થા દ્વારા અંકુશ લગાવવામાં આવે
કોન્ટ્રાક્ટર એસોસિયેશનના સભ્યોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બનતો સિમેન્ટ અન્ય રાજ્યોમાં જે ભાવે મળે છે, તેના કરતા મોંઘો મળી રહ્યો છે! સિમેન્ટનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોય અને અન્ય રાજ્યોમાં તેને પહોંચાડવાનો ખર્ચ લાગતો હોય તો જ્યારે ગુજરાતમાં તે ખર્ચ ન લાગતો હોવાતી સિમેન્ટ સસ્તો મળવો જોઈએ. પરંતુ કંપનીઓ સિમેન્ટ મોંઘો વેચી રહી છે.
(સંકેત)