ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી, ગુજરાત સહિતના રાજ્યો થશે લાભાન્વિત
- પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટ બેઠકમાં
- બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
- ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી
નવી દિલ્હી: આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન કેબિનેટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજના અંતર્ગત સોલાર અને પવન ઉર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી મળતી વીજળીને ગ્રીડ દ્વારા દેશના પરંપરાગત વીજળી સ્ટેશનોની મદદથી લોકોના ઘર સુધી પહોંચતી કરવામાં આવશે. આ યોજનાનો લાભ ગુજરાત સહિત 8 રાજ્યોને મળશે.
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યોજનાના બીજા તબક્કા વિશે વાત કરતા કહ્યું હતું કે, બીજા તબક્કામાં હિમાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, કેરળ, યુપી, તામિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. ફેઝ-1નું લગભગ 80 ટકા કામકાજ પૂર્ણ થઇ ચૂક્યું છે.
ગ્રીન એનર્જી કોરિડોર યોજના સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી વીજળી પેદા કરવામાં આવશે અને તેને લોકોના ઘર સુધી પહોંચતી કરવામાં આવશે. કુદરતી સંસાધનોમાંથી વીજળી મળ્યા બાદ કોલસાનો ઉપયોગ ઘટી જશે અને લોકોને સસ્તા દરે વીજળી પણ મળી રહેશે.
મહત્વનું છે કે, ગ્રીન એનર્જી પરિયોજનાનો હેતુ સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી મળતી વીજળીને ગ્રીડ દ્વારા દેશના પરંપરાગત વીજળી સ્ટેશનોની મદદથી લોકોના ઘર સુધી પહોંચતી કરવાનો છે. મંત્રાલયે 2015-16માં ગ્રીન એનર્જીમાંથી ઉત્પાદિત પાવરનો ઉપયોગ કરવા માટે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમાં 8 રાજ્યો તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.