Site icon Revoi.in

આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: RSS પ્રમુખ મોહન ભાગવત

Social Share

નવી દિલ્હી: લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકર અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિતના પુસ્તક ‘વીર સાવરકર હૂ કુડ હેવ પ્રિવેંટેડ પાર્ટિશન’ ના વિમોચન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગેની પૂરતી જાણકારી હોવાનો અભાવ હોવાનું કહેતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદથી જ તેને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે અને હવે સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહર્ષિ અરવિંદને પણ આ જ રીતે બદનામ કરવાની મુહિમ ચાલશે. પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં આજે સાવરકર વિશે યોગ્ય જાણકારીનો અભાવ છે. આ એક સમસ્યા છે. સાવરકરની બદનામીની મુહિમ ચાલી રહી છે. સ્વતંત્રતા બાદથી આ ચાલતું આવ્યું છે. સાવરકર સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ મહર્ષિ અરવિંદના વિચારોથી પ્રભાવિત હોવાથી હવે આ ત્રિપુટીને પણ બદનામ કરવાની મુહિમ ચાલશે.

મોહન ભાગવતે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 1857ની ક્રાંતિના સમયે હિંદુ અને મુસ્લિમ એક સાથે હતા પરંતુ અંગ્રેજોએ તેઓ વચ્ચે ભાગલા પાડવાનું શરૂ કર્યું. અમારી પૂજા વિધિ અલગ અલગ છે પરંતુ પૂર્વજો એક છે. આપણે આપણી માતૃભૂમિ તો ના બદલી શકીએ. ભાગલા બાદ પાકિસ્તાન જનારા લોકોને ત્યાં સન્માન નથી મળ્યું. અમારી વિરાસત એક હોવાથી અમે સાથે રહીએ છીએ. હિંદુ અને હિંદુત્વ એક જ છે જે સનાતન છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વીર સાવરકર મુસ્લિમોને દુશ્મન ન હતા. વીર સાવરકરે તો ઉર્દુમાં ગઝલો પણ લખી છે.

વીર સાવરકર શુદ્વ વૈજ્ઞાનિક વિચારધારા અને તર્ક અને પ્રત્યક્ષ પ્રમાણના આધાર પર વાત કરતા હતા. પ્રજાતંત્રમાં રાજનીતિક વિચારધારાના અનેકવિધ પ્રવાહ છે, તેવામાં ભિન્ન મતો પણ સ્વાભાવિક છે પરંતુ અલગ અલગ મત હોવા છતાં એક સાથે ચાલ્યા તે મહત્વપૂર્ણ છે. વિવિધ થવું એ સૃષ્ટિનો શ્રૃંગાર છે. આ જ આપણી રાષ્ટ્રીયતાનું મૂળ તત્વ છે.

પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, અનેક લોકની અલગ અલગ વિચારધારાને કારણે લોકો સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને સમજવામાં અસમર્થ રહ્યા છે.

લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકરએ તેમના પુસ્તકમાં સાંપ્રત રાષ્ટ્રીય સુરક્ષાને લગતી સમસ્યાઓ અને સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગે વાત કરી છે.