- કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે સરકારે SOP જાહેર કરી
- તેનાથી ખેડૂતોને થશે ફાયદો
- કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા પણ વધશે
નવી દિલ્હી: હવે દેશના કૃષિ ક્ષેત્રમાં પણ ટેક્નોલોજીના વપરાશનો માર્ગ મોકળો થયો છે અને હવે કૃષિ ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ થઇ શકશે. કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગ માટે SOP જાહેર કરવામાં આવી છે. ડ્રોન નિયમો-201 ડ્રોનની માલિકી અને સંચાલન માટે વધુ સરળ બનાવવામાં આવ્યા છે. કૃષિમાં જંતુનાશકો અને માટી તેમજ પાકના પોષક તત્વો સાથે ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા બનાવવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તમોરે તેનું વિમોચન કર્યું હતું.
આ વિમોચન પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશના કૃષિ ક્ષેત્રનું આધુનિકીકરણ કેન્દ્ર સરકારના એજન્ડામાંનું એક છે. સરકાર કૃષિમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવા માટે સતત પ્રયાસરત છે. જેથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા તેમજ કાર્યક્ષમતા વધે. કૃષિ ક્ષેત્રમાં નવા નિયમો સાથે આજે ડ્રોન નીતિમાં એક નવો પરિમાણ ઉમેરાયો છે.
ડ્રોનના કૃષિ ક્ષેત્રે રહેલા અસરકારક પરિણામો પર વાત કરતા તેઓએ કહ્યું હતું કે, ગત વર્ષે ડ્રોન ટેક્નોલોજીથી તીડના પ્રોકપને નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી. કૃષિલક્ષી આપણા દેશમાં કેન્દ્ર અને રાજ્યોની નીતિઓ હરહંમેશ કૃષિ અને ખેડૂતોની પ્રાથમિકતાને ધ્યાને રાખીને તૈયાર કરાય છે. કૃષિ ક્ષેત્રની પ્રગતિમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકોનું યોગદાન વધુ રહ્યું છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાની સાથે સાથે વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરતા સારી ગુણવત્તા અને ઉત્પાદનોની પણ જરૂર છે. વર્ષ 2014થી લઈને અત્યાર સુધી વડાપ્રધાને એ વાત પર ભાર મુક્યો છે કે ખેડૂતોની આવક બમણી કરવી જોઈએ, આને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી છે.