જસ્ટિસ એન.વી. રમન્ના સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની શકે, CJI બોબડેએ ભલામણ કરી
- દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એસ.એ. બોબડે 23 એપ્રિલે નિવૃત્ત થઇ રહ્યા છે
- સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે એન. વી. રમન્નાની નિમણૂક થઇ શકે
- હાલના CJI એસ.એ. બોબડેએ પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી
નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એન.વી. રમન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. હાલના CJI એસ.એ. બોબડેએ પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી છે.
જસ્ટિસ નાથુલાપતિ વેંકટ રમન્નાને 2 ફેબ્રુઆરી, 2017ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ તેમના કાર્યકાળના બે વર્ષ બચ્યા છે. તેઓ 26 ઑગસ્ટ 2020ના રોજ નિવૃત્ત થશે. તેઓએ 10 ફેબ્રુઆરી 1983માં વકાલતની શરૂઆત કરી હતી. જ્યારે ચંદ્રબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા તે સમયે જસ્ટિસ રમન્ના આંધ્ર પ્રદેશ સરકારના એડિશનલ એડવોકેટ જનરલ હતા.
ખેડૂત પરિવારમાંથી આવતા જસ્ટિસ એન.વી. રમન્નાએ સાયન્સ અને લૉમાં ગ્રેજ્યૂએશન કર્યું છે. ત્યારબાદ તેઓએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ, કેન્દ્રીય પ્રશાસનિક ટ્રિબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. રાજ્ય સરકારોની એજન્સીઓ માટે તેઓ પેનલ કાઉન્સિલ તરીકે પણ કામ કરતા હતા.
27 જૂન 2000માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ વર્ષ 2013માં 13 માર્ચથી લઈને 20 મે સુધી તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ રહ્યા હતા.
(સંકેત)