- 15-18 વર્ષના બાળકો કોવિડ વેક્સિન માટે આ તારીખથી કરશે નોંધણી
- કોવિન એપ્લિકેશન પર બાળકો નોંધણી કરાવી શકશે
- આઇડી કાર્ડથી પણ નોંધણી કરાવી શકશે
નવી દિલ્હી: મોદી સરકારે 15-18 વર્ષની વયજૂથના બાળકોને 1 જાન્યુઆરીથી રસીકરણ માટે જાહેરાત કરી છે ત્યારે 15-18 વર્ષની વયજૂથના બાળકો માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન પર નોંધણી થઇ શકશે. કોવિન પ્લેટફોર્મ ચીફ ડૉ. આર. એસ. શર્માએ આ માહિતી આપી હતી. ઉપરાંત રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ માટે આઇડી કાર્ડનો વિકલ્પ ઉમેર્યો છે. તેનાથી વિદ્યાર્થીઓ પાસે ઓળખ કાર્ડ ના હોવાના કેસમાં પણ તેઓ નોંધણી કરાવી શકશે.
પીએમ મોદીએ ગત શનિવારે પ્રજાજોગ સંબોધનમાં 15-18 વર્ષ સુધીના બાળકોને વેક્સિન અને વરિષ્ઠ નાગરિકો માટે વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, 3 જાન્યુઆરીથી બાળકોનું વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવશે.
અગાઉ ભારત પહેલા પણ અનેક દેશોએ બાળકોના રસીકરણ આપવાનું શરૂ કર્યું હતું. જો કે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં 12-15 વર્ષના, ડેનમાર્કમાં 12-15 વર્ષ, સ્પેનમાં 12-19 વર્ષ, ફ્રાન્સમાં 12-17 વર્ષ સ્વીડનમાં 12-15 વર્ષ, નોર્વેમાં 12-15 વર્ષ, યુએસ અને કેનેડામાં 12-17 વર્ષના બાળકો, ઇઝરાયેલમાં 5-12 વર્ષ નિર્ધારિત કરાઇ છે.
નોંધનીય છે કે, કેટલાક દેશોમાં ઓછામાં ઓછા 12 વર્ષની ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ મર્યાદા 15 વર્ષની છે.