Site icon Revoi.in

ચીન સાથેના સંબંધો અંગે ભારતના વિદેશમંત્રીએ કર્યો ખુલાસો, કહ્યું – તણાવપૂર્ણ સંબંધો છે

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણા છતાં હજુ પણ લદ્દાખ સરહદે તણાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન સામે આક્રમક વલણ અપનાવ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-ચીન પરના સંબંધો અંગે કહ્યું હતું કે, અત્યારે ભારત-ચીનના સંબંધો ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. કારણ કે ચીને બંને દેશો વચ્ચે થયેલી મંત્રણા દરમિયાન થયેલા સમાધાનોનું ઉલ્લંઘન કરીને એવી ચાલ ચલી છે કે જેનું સ્પષ્ટીકરણ તે આપી શકે તેવી સ્થિતિમાં નથી. ચીને એ નક્કી કરવું પડશે કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને કઇ દિશામાં લઇ જવા તૈયાર છે.

ચીનને આડે હાથ લેતા કહ્યું કે, ચીનને પણ ખબર છે કે ભારત સાથે સંબંધોમાં કેટલો તણાવ છે અને શું ગરબડ છે. હું બહુ સ્પષ્ટ વાત કરું છું અને મે મારા સમકક્ષ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ જ્યારે મુલાકાત કરી ત્યારે સ્પષ્ટ વાત કરી છે.

જયશંકરે ચીન પર આરોપ કર્યો હતો કે, ચીને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી કરારનો ભંગ કર્યો છે અને એવી હરકતો કરી છે જેનો સંતોષકારક રીતે સ્પષ્ટીકરણ આપી શકાય તેમ નથી.

અમેરિકા અંગે તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, અમેરિકા વ્યૂહાત્મક રીતે સંકોચાઇ રહ્યું હોવાની વાત હાસ્યાસ્પદ છે. અમેરિકા અત્યારે ભારતના વિચારો, સૂચનો અને કાર્ય પ્રણાલીનું પહેલા કરતાં વધારે સારી રીતે સ્વાગત કરી રહ્યું છે.