- ભારતમાં સતત વધતી બેરોજગારી ચિંતાનો વિષય
- મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બેરોજગાર
- 38 ટકા લોકોને જ નોકરી મળી: CMIE
નવી દિલ્હી: ભારત જેવા વધુ વસતી ધરાવતા દેશમાં ખાસ કરીને બેરોજગારી એ એક મોટો પડકાર છે. કોવિડ રોગચાળાને કારણે દેશમાં બેરોજગારી પણ સતત વધી રહી છે. આ સમસ્યા હવે વધુ ગંભીર બની છે.
દેશમાં બેરોજગારીનો ચિતાર રજૂ કરતા એક રિપોર્ટ અનુસાર, દેશમાં બેરોજગારોની સંખ્યા 5 કરોડથી વધુ થઇ ગઇ છે. જેમાં મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે.
બેરોજગારીના આંકડા રજૂ કરતો રિપોર્ટ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ રજૂ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2021 સુધી ભારતમાં બેરોજગાર લોકોની સંખ્યા 5.3 કરોડ રહી. જેમાં મહિલાઓની સંખ્યા 1.7 કરોડ છે. ઘર બેઠેલા લોકોમાં તેમની સંખ્યા વધી છે. જે સતત કામનો પ્રયાસ કરી રહ્યાં છે.
કુલ 5.3 કરોડ બેરોજગાર લોકોમાંથી 3.5 કરોડ લોકો સતત કામ શોધી રહ્યા છે. તેમાં અંદાજીત 80 લાખ તો માત્ર મહિલાઓ છે. બાકીના 1.7 કરોડ બેરોજગાર કામ કરવા ઇચ્છુક છે, પંરતુ તેઓ એક્ટિવ થઇને કામની શોધખોળ નથી કરી રહ્યા. તેવા બેરોજગારોમાં 53 ટકા એટલે કે 90 લાખ મહિલાઓ સામેલ છે.
મહત્વનું છે કે, વર્લ્ડ બેંકના હિસાબે વૈશ્વિક સ્તરે રોજગારી મળવાનો દર મહામારીથી પહેલા 58 ટકા હતો, જ્યારે કોવિડના આવ્યા બાદ 2020માં વિશ્વભરમાં 55 ટકા લોકોને રોજગારી મળી હતી. બીજી તરફ ભારતમાં માત્ર 43 ટકા લોકો જ રોજગારી મેળવવામાં સફળ રહ્યા હતા.