Site icon Revoi.in

દિલ્હીની જનતાને મોંઘવારીનો વધુ એક માર, હવે CNGના ભાવમાં વધારો ઝીંકાયો

Social Share

નવી દિલ્હી: દિવાળી બાદ હવે સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે હવે NCRમાં હવે CNGના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં હવે CNGની કિંમતમાં 2.28 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં 2.56 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારી એટલી હદે વધી રહી છે કે છેલ્લા 45 દિવસ દરમિયાન ત્રણ વાર સીએનજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આ વધેલા ભાવથી દિલ્હી NCRના લોકો મોંઘવારીનો માર સહન કરશે.

દિલ્હી-NCRમાં ભાવવધારા બાદ હવે સીએનજીનો દર 52.04 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે, જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા તેમજ ગાઝિયાબાદમાં તે 58.58 રૂપિયા પ્રતિ કિલોના દરે મળશે. અગાઉ દિલ્હીમાં CNGની કિંમત 49.76 રૂપિયા હતી. જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં તે 56.02 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યો હતો.

મહત્વનું છે કે, 1 ઓક્ટોબર પછી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ ત્રીજી વખત CNG ની કિંમતોમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે અગાઉ ગયા મહિને 1 અને 13 ઓક્ટોબરના રોજ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 45 દિવસમાં CNG દિલ્હીમાં કુલ 6.84 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.