- ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની મંત્રણા થશે
- આ વાટાઘાટો દરમિયાન પારસ્પરિક અનેક મુદ્દાઓ પર થશે વાતચીત
- બંને દેશોને સાર્થક વાતચીતની આશા
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખના સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે આજે ભારત અને ચીન વચ્ચે 14માં કોર કમાન્ડર સ્તરની મંત્રણા થશે. 20 મહિનાના લાંબા વિવાદ બાદ બંને પક્ષોની વચ્ચે 14મી બેઠકના સૈન્ય વાટાઘાટો પહેલા પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના બાકી રહેલા સ્થળોએ મુદ્દાના ઉકેલ માટે ચીન સાથે ફળદાયી મંત્રણાની ચીન આશા રાખી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને જણાવ્યું કે, બંને પક્ષો દ્વારા સંમત થયા અનુસાર ચીન અને ભારત 12 જાન્યુઆરીના રોજ માલદો બેઠક સાઇટ પર કમાન્ડર સ્તરની 14માં તબક્કાની વાટાઘાટો કરશે. અત્યારે ચીન, ભારત સરહદ પર સ્થિતિ સામાન્ય છે.
વાંગે આશા વ્યક્ત કરી હતી કે, ભારત ચીન સાથે કામ કરશે અને સરહદી વિસ્તારોમાં સામાન્ય વ્યવસ્થાપન અને નિયંત્રણ તરફ કટોકટીની પ્રતિક્રિયાથી આગળ વધશે. નવી દિલ્હી સ્થિત સૂત્રો અનુસાર, ભારત અને ચીન વચ્ચે વરિષ્ઠ સર્વોચ્ચ સૈન્ય કમાન્ડર-સ્તરની વાટાઘાટો 12 જાન્યુઆરીએ વાસ્તવિક નિંયત્રણ રેખાની ચીન બાજુના ચુશુલ-મોલ્ડોમાં યોજાશે. વાટાઘાટોનો મુખ્ય મુદ્દો હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાંથી સૈનિકોને પરત ખેંચવા પર રહેશે.
આ મંત્રણાથી આશા રખાઇ રહી છે કે ભારત ડેપસાંગ બલ્ગ અને ડેમચોકના મુદ્દાઓનું નિરાકરણ સહિત બાકીના તમામ સ્થળોએથી સૈનિકોને વહેલા પાછી ખેંચી લેવા દબાણ કરશે. જણાવી દઈએ કે સૈન્ય વાટાઘાટોનો 13મો તબક્કો 10 ઓક્ટોબર 2021ના રોજ થયો હતો અને તે મડાગાંઠ ઉકેલી શકી ન હતી.