Site icon Revoi.in

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, ક્રિપ્ટોકરન્સી અંગે થઇ આ ચર્ચા

Social Share

નવી દિલ્હી: બિટકોઇનમાં આવેલા ઉછાળા બાદ હવે લોકો ક્રિપ્ટોકરન્સી પ્રત્યે વળ્યા છે અને ભારતમાં પણ મોટા પાયે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે સરકારે હજુ પણ ક્રિપ્ટોકરન્સીને લઇને કોઇ ચોક્કસ પોલિસી બનાવી નથી. આ વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી એક બેઠકમાં ક્રિપ્ટોકરન્સી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ક્રિપ્ટો બજારમાં ખાસ કરીને મની લોન્ડરિંગ તેમજ ટેરર ફંડિગને પ્રોત્સાહન મળતું હોવાની પણ આશંકા રહેલી છે. આ બેઠકમાં ખાસ કરીને લોભામણી ઑફર્સ દ્વારા યુવકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોને રોકવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ક્રિપ્ટોકરન્સી હજુ એક સતત વિકસતી ટેક્નોલોજી છે અને સરકાર તેના પર સતત વોચ રાખી રહી છે. તેમાં રહેલી અનિશ્વિતતા પર પણ સરકારની નજર છે. બેઠકમાં સામેલ લોકોનો અભિપ્રાય હતો કે સરકાર જે પણ પગલાં ભરે તે પ્રોગ્રેસિવ અને ભાવિને ધ્યાનમાં રાખીને ભરે તે આવશ્યક છે. સરકાર આ અંગે તજજ્ઞો અને સ્ટેકહોલ્ડર સાથે પણ બેઠક કરશે.

સરકારે ક્રિપ્ટોકરન્સીને લઇને RBI, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે ઘણી ચર્ચા વિચારણા કરી છે અને દેશ તથા વિશ્વના નિષ્ણાતોના સલાહ-સૂચનો લેવામાં આવ્યા છે.

બેઠકમાં તે પણ ચર્ચા કરવામાં આવી હતી કે અનરેગ્યુલેટેડ ક્રિપ્ટો માર્કેટનો મની લોન્ડરિંગ અને ટેરર ફન્ડિંગ જેવા કામોમાં ઉપયોગ થવા દેવામાં આવશે નહીં.