Site icon Revoi.in

લગ્ન માટે યુવાઓનું ધર્મ પરિવર્તન અયોગ્ય: RSS પ્રમુખ મોહન ભાગવત

Social Share

નવી દિલ્હી: લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, લગ્ન જેવી વસ્તુઓ માટે યુવાઓનું ધર્મ પરિવર્તન એ અયોગ્ય છે. ધર્મના મહત્વ પર જોર આપતા તેઓએ કહ્યું કે, પરિવારજનોએ તેમના યુવાનોના મનમાં ધર્મ પ્રત્યે ગર્વ પેદા કરવો જોઇએ.

ઉત્તરાખંડના હલ્દાની ખાતે એક કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રણ દરમિયાન સંબોધન સમયે કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન કઇ રીતે થાય?, ક્ષુદ્ર સ્વાર્થ માટે, લગ્ન માટે? હિંદુ યુવતીઓ અને યુવકો અન્ય ધર્મોને કઇ રીતે અપનાવે છે? જે લોકો આવું કરે છે તે ખોટું કરે છે, પરંતુ તે બીજો મુદ્દો છે. શું આપણે આપણા બાળકોનું બરોબર ભરણ-પોષણ નથી કરતા? આપણે આપણા બાળકોને ઘરમાં આવી શિક્ષાઓ આપવી પડશે. આપણે તેમના અંદર ધર્મ પ્રત્યે આદર, ગર્વ પેદા કરવો પડશે.

ધર્મના મહત્વ પર ભાર મૂકતા તેઓએ કહ્યું કે, બાળકો કોઇ સવાલ પૂછે તે માટે માતા-પિતા મૂંઝવણ ના અનુભવ તે માટે ધર્મને લગતું જ્ઞાન લેવું આવશ્યક છે. આપણે બાળકોને વધુ તૈયાર કરવા પડશે. તે માટે માતા-પિતાએ પહેલા શીખવું પ્રાથમિકતા છે. ભારતીય પર્યટન સ્થળોએ ફરવું જોઇએ, ઘરેલું ભોજન આરોગવું અને પરંપરાગત પોશાક પહેરવાની લોકોને અપીલ કરી હતી.

ભારતીય સંસ્કૃતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટે ભાષા, ભોજન, યાત્રા, પોશાક, ગીત, ભક્તિ તેવા છ મંત્રો છે. ભાગવતે લોકોને પરંપરાગત રીત-રિવાજો અનુસરવાની અપીલ કરી હતી. આ સાથે જ પોતાની જાતને અસ્પૃશ્યતા જેવી વસ્તુઓથી દૂર રાખવા માટે પણ વિનંતી કરી હતી.