- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ આસમાને
- અહીંયા પેટ્રોલનો ભાવ વધીને 99.29 રૂપિયા પ્રતિ લીટર થયો
- શ્રીગંગાનગરમાં ડીઝલની કિંમત પણ પ્રતિ લીટર 91.17 રૂપિયા થઇ
શ્રીગંગાનગર: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તો પેટ્રોલની કિંમત આસમાને પહોંચી છે. અહીંયા પેટ્રોલની કિંમત 99.29 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જે ભાવ મુંબઇ કરતાં પણ વધારે છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 99.29 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ જ્યારે ડીઝલની કિંમત 91.17 રૂપિયા પ્રતિ લીટર થઇ છે. પેટ્રોલની કિંમતમાં 29 પૈસા તેમજ ડીઝલની કિંમતમાં 32 પૈસાનો વધારો થયો છે.
પેટ્રોલ મોંઘું હોવા પાછળનું કારણ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત વધારે હોવાનું કારણ એ છે કે અહીં વેટ (VAT) સૌથી વધારે છે. તમને જણાવી દઈએ કે દેશના અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સ અને વેટ અલગ-અલગ હોય છે, જેના કારણે દરેક જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળે છે. જ્યાં વધારે ટેક્સ લાગે છે ત્યાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધુ હોય છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેટ સૌથી વધારે હોવાથી અહીં લોકોને પેટ્રોલ-ડીઝલ માટેની સૌથી વધુ કિંમત ચૂકવવી પડે છે.
બીજી તરફ શ્રીગંગાનગરમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 102.07 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ભોપાલમાં પ્રીમિયમ પેટ્રોલ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે. રેગ્યુલર અને પ્રીમિયમ પેટ્રોલમાં ઓક્ટેન નંબરનો તફાવત હોય છે. રેગ્યુલર પેટ્રોલનો ઓક્ટેન નંબર 87 હોય છે જ્યારે પ્રીમિયમ પેટ્રોલનો ઓક્ટેન નંબર 91 હોય છે અથા તેના કરતાં પણ વધુ હોય છે. મુંબઇમાં પણ પેટ્રોલનો ભાવ વધીને 95.21 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.
(સંકેત)