- તહેવારોની સીઝન દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવા કેન્દ્ર સરકારની અપીલ
- કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરો અને તહેવારનો આનંદ કરો
- કોરોનાનો પ્રકોપ પૂરો થયો નથી
નવી દિલ્હી: તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે હજુ પણ કોરોનાથી સાવચેતી રાખવાનું સરકારે કહ્યું છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, કેરળમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ઘટી છે પરંતુ દેશના કુલ કોરોના કેસ અડધાથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે. રિકવરી રેટ વધ્યો છે.
જો કે કોરોનાથી હજુ સંપૂર્ણ મુક્તિ નથી મળી. દેશના 18 જીલ્લામાં હજુ પણ દર સપ્તાહે 5 થી 10 ટકા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે, તે ભીડવાળી જગ્યાઓ પર જવાથી બચે, શારીરિક અંતર જાળવીને રાખે અને માસ્કનો ઉપયોગ જરૂર કરે. કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરો અને તહેવારનો આનંદ કરો.
કેરળમાં હજુ પણ સૌથી વધુ કોરોના કેસ છે. કેરલમાં 1,44,000 કોરોના કેસ છે. જે દેશમાં કોરોનાના કેસોની સંખ્યાના 52 ટકા છે. મહારાષ્ટ્રમાં 40 હજાર એક્ટિવ કેસ છે. તમિલનાડુમાં 17 હજાર, મિઝોરમમાં 16800, કર્ણાટકમાં 12 હજાર અને આંધ્ર પ્રદેશમાં 11 હજાર એક્ટિવ કેસ છે.
બીજી તરફ તહેવારોમાં સાવચેતીને લઇને ICMRના ડીજી ડૉક્ટરો બલરામ ભાગર્વે કહ્યું કે. આ સમયે બિનજરૂરી યાત્રા બને તો ટાળવી જોઇએ અને તહેવારોની ઉજવણી કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે કરવી જોઇએ.