નવી દિલ્હી: સરકાર હવે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઇ રહી છે અને આ માટે તાતા સન્સ સાથે સોદાની પણ વાત ચાલી રહી છે ત્યારે મોદી સરકારના જ સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી જે મામલે ગુરુવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વામીએ એર ઇન્ડિયાની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવાની તેમજ સત્તાધીશોએ આપેલ મંજૂરી રદ્દ કરવા માટે માંગણી કરી હતી. જો કે સામે પક્ષે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીનો વિરોધ કર્યો હતો.
આ અંગે સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે, અરજી ત્રણ ગેરસમજો પર આધારિત છે અને તેના પર કોઇ વિચારણાની પણ જરૂર નથી. સ્વામીએ એડવોકેટ સત્ય સાબરવાલ મારફતે દાખલ કરેલી અરજીમાં આ પ્રક્રિયાના ટોચના અધિકારીઓની ભૂમિકા તેમજ કાર્યપદ્વતિ અંગે CBI તપાસ અને કોર્ટ સમક્ષ વિગતવાર અહેવાલ રજૂ કરવાની પણ વિનંતી કરી છે.
કેન્દ્ર સરકારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીનો વિરોધ કરતા કહ્યું કે ટાટા સન્સ સંપૂર્ણપણે ભારતીય કંપની છે, જેણે ઈન્ડિયન એરલાઈન્સ એર ઈન્ડિયાને ખરીદી છે, તેથી સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે.
નોંધનીય છે કે, કોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે સુબ્રમણ્યમ સ્વામી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને આ મામલે એરએશિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેની દલીલો સાંભળી હતી. દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખતા બેન્ચે કહ્યું કે તે અરજી પર 6 જાન્યુઆરીએ આદેશ આપશે.