Site icon Revoi.in

પ્રદૂષણ મામલે સુપ્રીમે ફરીથી સરકારને ઝાટકી, કહ્યું – ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો સરળ

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ વકરી રહી છે ત્યારે આજે ફરીથી સુપ્રીમમાં વાયુ પ્રદૂષણને લઇને સુનાવણી થઇ હતી. અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વાયુ પ્રદૂષણ મુદ્દે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવવાની તાકીદ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય એ પહેલા કેન્દ્ર સરકારે એક એફિડેવિટમાં વાયુ પ્રદૂષણ અંગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કેન્દ્ર દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો, દૈનિક દોડતા કુલ વાહનનો એક નાનો હિસ્સો છે, આ વાહનો પર પ્રતિબંધ મૂકવાથી વાયુ પ્રદૂષણમાં કોઇ ફરક નહીં પડે.

કેન્દ્રનું કહેવું છે કે ઘરેથી કામ (Work from home ) કરવાથી વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે. કેન્દ્રએ તેના કર્મચારીઓને ઓફિસમાં આવવા-જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાને બદલે કાર પુલિગનો આશરો લેવાની સલાહ આપી છે, જેથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડી શકાય.

તેના પર ન્યાયાધીશ સૂર્યકાન્તે કેન્દ્રને ફટકાર લગાવી હતી કે, ઑક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન વાયુ પ્રદૂષણ ખૂબ જ વધુ હોય છે ત્યારે કેન્દ્ર અને દિલ્હી સરકાર સમગ્ર વર્ષ દરમિયાન વાયુ પ્રદૂષણને નાથવા માટે શું કરે છે? શું ત્યારે ખબર નથી પડતી કે શું કરવાનું છે. જ્યારે, CJI રમનાએ સિંઘવીને કહ્યું કે, તમે રિપોર્ટનો અનેકવાર ઉલ્લેખ કરી રહ્યાં છો, પરંતુ હકીકત એ છે કે તમે આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છો.

દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ વાયુ પ્રદૂષણ પાછળ નવેમ્બરમાં પરાળીને બાળવાનું હોવાનું કહ્યું હતું અને તેને નિયંત્રિત કરવાનું જરૂરી હોવાનું કહ્યું હતું ત્યારે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, ખેડૂતોએ પરાળી કેમ બાળવી પડે છે? ફાઇવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો ખૂબ જ સરળ છે. તમારી પાસે ખેડૂતોની મશીનો આપવાની ક્ષમતા છે.