- દેશમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીના સીએમ કેજરીવાલની કેન્દ્ર સરકારને અપીલ
- તેમણે કેન્દ્ર સરકારને CBSE બોર્ડ પરીક્ષા 2021 રદ કરવાની અપીલ કરી છે
- વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી પ્રભાવિત ના થાય તે માટે પરીક્ષા હાલ પૂરતી રદ કરવી હિતાવહ
નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને CBSE બોર્ડ પરીક્ષા 2021 રદ કરવાની અપીલ કરી છે. દેશભરના એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ કે રદ કરવાની માગણી કરી છે. અનેક રાજ્યોએ પણ પોતાના ત્યાં થનારી બોર્ડ પરીક્ષાઓની તારીખ બદલી નાખી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગત 24 કલાકમાં સાડા 13 હજાર કેસ સામે આવી રહ્યા છે. આ વખતની લહેર વધુ ખતરનાક છે અને તેનાથી યુવાઓ વધુ પ્રભાવિત થાય છે. આવામાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે CBSE બોર્ડ પરીક્ષા 2021માં 6 લાખ વિદ્યાર્થીઓ બેસશે અને તે તમામ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. આવામાં પરીક્ષાઓ હાલ પૂરતી રદ થાય તે વધુ ઇચ્છનીય છે.
અરવિંદ કેજરીવાલે છેલ્લા 10-15 દિવસનો ડેટા દેખાડતા કહ્યું કે 65 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના છે. દેશના યુવકો પર પોતાની સાથે સાથે પોતાના પરિજનોની પણ જવાબદારી છે. આથી આ વખતે વધુ સતર્કતા રાખવી જરૂરી છે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પોતાના ઘરમાંથી બહાર ન નીકળો.
તેમણે ઉમેર્યું હતું કે તેઓ લોકડાઉનના પક્ષમાં નથી. નવા પ્લાન મુજબ ઓછા લક્ષણોવાળા દર્દીઓને બેન્ક્વેટ હોલમાં રાખવાની વિચારણા ચાલુ છે અને વધુ ગંભીર લક્ષણોવાળા દર્દીઓ હોસ્પિટલમાં રહેશે. કેટલીક હોસ્પિટલોને 100 ટકા કોવિડ-19 ના કેસ માટે રિઝર્વ કરી દીધી છે. જે દર્દીઓને બેડની જરૂર નહીં હોય તેમને હોટલ કે પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન થવાનું રહેશે.
(સંકેત)