એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની આ સાંસદની પિટિશિન દિલ્હી હાઇકોર્ટે ફગાવી
- ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો
- એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન દિલ્હી હાઇકોર્ટે ફગાવી
- સ્વામીએ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા
નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય કર્યો હતો અને આ માટે તાતા ગ્રૂપ સાથે પ્રસ્તાવિત સોદા અંગે વાતચીત ચાલી રહી છે ત્યારે સરકારના આ ખાનગીકરણના નિર્ણયને ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્મ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે હવે સ્વામીને ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે.
મહત્વનું છે કે, ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી કેટલાક સમયથી પોતાની જ પાર્ટીના કેટલાક નિર્ણયો વિરુદ્વ છે. સ્વામીએ એર ઇન્ડિયાના ખાનગીકરણનો વિરોધ કરતા પોતાની પિટિશનમાં લખ્યું છે કે, એર ઇન્ડિયાની હરાજી માટેની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર છે અને તેમાં તાતા ગ્રૂપની તરફેણમાં ગોટાળો આચરવામાં આવ્યો છે.
સરકારે ખાનગીકરણ અંગે કહ્યુ હતું કે, એર ઇન્ડિયાની ખોટને જોતા તેનું ખાનગીકરણ કરવા માટે સરકારે નીતિગત નિર્ણય લીધો હતો. આ સોદા અંગે કશુ ખાનગી નહોતુ રાખવામાં આવ્યું. તેના પર પુર્નવિચારની જરૂર નથી.
બીજી તરફ તાતા ગ્રૂપે પણ એવી દલીલ કરી હતી કે, એર ઇન્ડિયા માટે બોલી લગાવનાર તાતા ગ્રૂપ 100 ટકા ભારતીય કંપની છે અને ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો કરાયા છે તે પાયાવિહોણા છે.