ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ કેસરીયો ધારણ કર્યો, પંજાબમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા
- પંજાબ ચૂંટણીને લઇને ભાજપની તૈયારી
- પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા ભાજપમાં સામેલ
- ભાજપ પંજાબ માટે ઉમેદવાર બનાવે તેવી શક્યતા
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરોનો રાજકારણમાં ઝંપલાવવાનો સિલસિલો યથાવત્ છે. હવે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા ખેલાડી દિનેશ મોંગીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોઇપણ પ્રકારની કસર નથી રાખવા માંગતી અને તેથી જ આ ચૂંટણી દરમિયાન ભાજપ તેમને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી સંભાવના છે. આજે ભાજપ કાર્યલયમાં તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.
દિનેશ મોંગિયાની કારકિર્દી પર નજર કરીએ તો દિનેશ મોંગિયા પંજાબ વતી રમીને પોતાની ક્રિકેટ કારકિર્દીનો આરંભ કર્યો હતો. વર્ષ 2001માં તેમનો ઇન્ટરનેશનલ ડેબ્યૂ થયો હતો અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની વનડે કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 2003માં વર્લ્ડકપ ટીમનો પણ મોંગિયા હિસ્સો રહી ચૂક્યા છે. છેલ્લા તેઓ પંજાબ માટે વર્ષ 2007માં રમ્યા હતા.
નોંધનીય છે કે, એ પછી 2019માં મોંગિયાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.