- ભારત સંરક્ષણ ક્ષેત્રે બની રહ્યું છે આત્મનિર્ભર
- હવે ભારતે ભારતમાં જ નિર્મિત એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું પરીક્ષણ
- આ વેપન 100 કિમી દૂરના ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે
નવી દિલ્હી: ભારતીય સેના શસ્ત્રોની દૃષ્ટિએ પણ આત્મનિર્ભર બની રહી છે અને શસ્ત્રોથી ભારતીય સેનાનું સામર્થ્ય વધ્યું છે. હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા ભારતીય વાયુસેના દ્વારા દેશમાં જ વિકસિત કરાયેલા એન્ટી એરફિલ્ડ વેપનનું રાજસ્થાનના જેસલમેરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ અંગે સંરક્ષણ મંત્રાલયે જાણકારી આપી હતી કે, સેટેલાઇટ નેવિગેશન તેમજ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર પર આધારિત બે અલગ અલગ એન્ટિ એરફિલ્ડ વેપનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રો ઓપ્ટિકલ આધારિત હથિયારનું દેશમાં પ્રથમ વખત પરિક્ષણ કરવામાં આવ્યું છે.
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ સેન્સરને દેશમાં જ નિર્મિત કરવામાં આવ્યું છે. વાયુસેનાના એક લડાકૂ વિમાનથી 28 ઑક્ટોબર અને 3 નવેમ્બરે જેસલમેર ખાતે આવેલી ચંદન રેન્જમાં આ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મંત્રાલયના કહેવા પ્રમાણે બંને પરિક્ષણ સફળ રહ્યા હતા અને હથિયારે સચોટ રીતે પોતાના ટાર્ગેટ પર પ્રહાર કર્યો હતો.આ વેપન 100 કિલોમીટર દુર આવેલા ટાર્ગેટને આસાનીથી ખાત્મો બોલાવી શકે છે.