Site icon Revoi.in

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નહીં ખાવા પડે RTOના ધક્કા, સરકારે આ નિયમો ડ્રાફ્ટ કર્યા

Social Share

– સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લીધો
– હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTOના ધક્કા નહીં ખાવા પડે
– કાર ડ્રાઇવિંગ સેન્ટર્સમાંથી પણ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપી શકાશે

નવી દિલ્હી: સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ચક્કર લગાવવાની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમોને વધુ સરળ બનાવી દીધા છે.

સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નિયમોમાં સંશોધન કર્યું છે. નવા નિયમ અનુસાર તમારે કોઇપણ પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટ RTO જઇને આપવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ નિયમોને નોટિફાય કરી દીધા છે. આ નિયમ આ મહિનાથી લાગૂ થઇ ચૂક્યા છે.

મંત્રાલય તરફથી અરજદારોને કહેવામાં આવ્યું છે કે, જે લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOમાં પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રતિક્ષા કરી રહ્યા છે, હવે તેઓ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કોઇપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં પોતાની નોંધણી કરાવી શકે છે. તેમણે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલથી પ્રશિક્ષણ લેવું પડશે અને અહીં જ ટેસ્ટ પાસ કરવો પડશે. સ્કૂલ તરફથી અરજદારને એક પ્રમાણપત્ર આપવામાં આવશે. તેના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનશે.

ટ્રેનિંગ સેન્ટર્સ પાસે આ માટે ઓછામાં ઓછી એક એકર જમીન હોય, મધ્યમ તેમજ ભારે મુસાફર માલ વાહનો કે ટ્રેલરો માટે સેન્ટર્સ પાસે બે એકર જમીન હોવી આવશ્યક બની રહેશે.

પ્રશિક્ષણ આપનાર ટ્રેનર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઇએ. તેને ટ્રાફિકના નિયમોની ખબર હોવી આવશ્યક રહેશે.

મંત્રાલયે એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વાહનો ચલાવવા માટે, પાઠ્યક્રમનો સમય વધુમાં વધુ 4 અઠવાડિયા હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઈવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. પ્રેક્ટિકલ અને થિયરી એમ બે ભાગમાં વહેંચવામાં આવશે.