- આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવું પડશે
- હવે તેની જામીન અરજી પર આવતીકાલે થશે સુનાવણી
- આર્યન ખાનના વકીલે આજે સુનાવણી દરમિયાન ધારદાર દલીલો કરી
નવી દિલ્હી: ડ્રગ્સ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. બોમ્બે હાઇકોર્ટમાં સતત બીજા દિવસે તેના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે આજે પણ આર્યન ખાનની મન્નત પૂરી નથી થઇ. કોર્ટ હવે ગુરુવારે તેની જામીન અરજી પર સુનાવણી કરશે.
આર્યન ખાન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ સંભળાવતા કહ્યું હતું કે, કથિત ગુનામાં એક વર્ષથી પણ ઓછી સજાની જોગવાઇ છે. CrPCની કલમ 41A હેઠળ નોટિસ જારી કરવી જોઇતી હતી. નાના ગુનાઓમાં ધરપકડ અપવાદરૂપ છે. તેમણે અર્નેશ કુમારના નિર્ણયના આદેશના ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે, જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. હવે ધરપકડ એ નિયમ અને જામીન અપવાદ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સુનાવણી દરમિયાન પોતાના અસીલનો બચાવ કરતા મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, ક્રુઝ પર આર્યન ખાનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેને પ્રતિક ગાબાએ આમંત્રિત કર્યા હતા. જે ઓર્ગેનાઇઝર હતા. તેણે આર્યન અને આરોપી અરબાઝ મર્ચન્ટને આમંત્રત આપ્યું હતું.
તેઓએ વધુમાં એવું ઉમેર્યું હતું કે, NCB પાસેથી અગાઉથી ક્રૂઝ પર ડ્રગ્સ લેતા હોવાની જાણકારી હતી. તેથી તેઓ ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા. ત્યાંથી કોઇ રિકવરી થઇ નથી. આર્યન ખાનની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.